<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th November 2025

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસની 21મીથી 60 દિવસની જન આક્રોશ યાત્રા: રાજ્યના 5 ફેઝમાં ફરશે

કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સમયે ખેડૂતોની વેદના જાણવા માટે કોંગ્રેસ ખેડૂતો પાસે ગામડે પહોચશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, 21 નવેમ્બરથી પ્રથમ ફેઝની યાત્રાની શરૂઆત થશે. ઉત્તર ગુજરાતમાં શરૂ થયેલી પ્રથમ ફેઝની યાત્રાનું બહુચરાજીમાં સમાપન થશે. યાત્રામાં જનતાને સ્ટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જન આક્રોશ યાત્રા 7 જિલ્લા અને 40 તાલુકાઓમાં યાત્રા પસાર થશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સમયે ખેડૂતોની વેદના જાણવા માટે કોંગ્રેસ ખેડૂતો પાસે ગામડે પહોચશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે. રાજ્યભરમાં જન આક્રોશ યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આગામી 21 નવેમ્બરના વાવ થરાદથી યાત્રાની શરૂઆત થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂઆત કરવામાં આવશે. પહેલા ફેઝની યાત્રાનું બેચરાજીમાં સમાપન થશે.

કોંગ્રેસે અલગ અલગ 5 ઝોનમાં વિસ્તારોને વિભાજિત કર્યા છે. આ તમામ 5 ફેઝમાં જન આક્રોશ યાત્રા યોજાશે. ઉત્તર ગુજરાતમાં 1100 કિલોમીટર સુધીની યાત્રામાં તમામ ઝોનમાં આવતા ગામડાઓમાં જાહેર સભા યોજશે. તેમજ આ વખતે યાત્રામાં જનતાને સ્ટેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 દાયકાના શાસનમાં ભાજપે અંગ્રેજોનું શાસન હોય તે રીતે કામ કર્યું છે. ડર અને ભયનો માહોલ ભાજપ સરકારે ઊભો કર્યો, એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતાના પૈસાથી સરકારની તિજોરીઓ ભરાય છે. ત્રણ દાયકામાં અબજો રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું? ગુજરાતના યુવાનોને શું મળ્યું? ગુજરાતની મહિલાઓ માટે શું થયું? અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, અધિકાર મેળવવા આંદોલન અને ઉપવાસ કરવા પડે છે. કોઈ પણ લોકોના અવાજ સાંભળતું નથી. જનતાના અધિકારો છીનવાઈ રહ્યા છે 

21 નવેમ્બરથી કોંગ્રેસ રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરશે, ઉત્તર ગુજરાતના ઢીમાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત થશે. ઢીમા, ધરણીધરથી થરાદ, લાખણી, ધાનેરા, ડીસા, દાંતીવાડા, પાલનપુર, અમીરગઢ, વડગામ, અંબાજી, ખેરોજ, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજેન્દ્રચોકડી, શામળાજી, મેઘરજ, સાઠંબા, માલપુર, બાયડ, ધનસુરા, દહેગામ, ચિલોડા, ગાંધીનગર, માણસા, વિજાપુર, મહેસાણા, વિસનગર, ઊંઝા, ખેરાલુ, સિધ્ધપુર, સરસ્વતી, પાટણ, હારીજ, રાધનપુર, શંખેશ્વર, બેચરાજી ખાતે પુર્ણાહૂતિ થશે.

 

 

(11:49 PM IST)