<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

સુરત મનપાના રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર; સ્ટાર્ચ-ફેટમાંથી બનાવવાનો ચોંકાવનારો ખુલાસો

સુરભી ડેરીના આ નમૂનામાં ફેટનું પ્રમાણ માત્ર 35 ટકા જ માલુમ પડ્યું છે, જે નિયત માપદંડ કરતાં ઘણું ઓછું છે

સુરતમાં ખાદ્ય પદાર્થોમાં વધી રહેલી ભેળસેળની ઘટનાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગે ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં ગંભીર ખુલાસો થયો છે.

આ રિપોર્ટમાં સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળું) જાહેર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ પનીર દૂધમાંથી નહીં, પરંતુ મુખ્યત્વે સ્ટાર્ચ અને વેજીટેબલ ફેટ (વનસ્પતિજન્ય ચરબી)માંથી બનાવવામાં આવી રહ્યું હતું.

ખાદ્ય સુરક્ષાના ધારાધોરણો મુજબ, પનીરમાં ફેટનું પ્રમાણ ઓછામાં ઓછું 50 ટકા હોવું જોઈએ. તેની સરખામણીએ સુરભી ડેરીના આ નમૂનામાં ફેટનું પ્રમાણ માત્ર 35 ટકા જ માલુમ પડ્યું છે, જે નિયત માપદંડ કરતાં ઘણું ઓછું છે.

રિપોર્ટના આ તારણો સ્પષ્ટ સૂચવે છે કે સુરભી ડેરી દ્વારા ગ્રાહકોને દૂધનું પનીર કહીને હકીકતમાં સ્ટાર્ચ અને કૃત્રિમ ફેટમાંથી બનેલું પદાર્થ વેચવામાં આવી રહ્યો હતો. મનપાએ આ રિપોર્ટના આધારે નોંધ્યું છે કે આ પ્રવૃત્તિ સીધેસીધા લોકોના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. આ મામલે મનપાના ફૂડ વિભાગ દ્વારા હવે ડેરી સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

 

(10:39 PM IST)