<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ખરાબ રસ્તાના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ફાયર બ્રિગેડની ગાડી જ ફસાઈ

ઇમરજન્સી સેવાઓને પણ ખાડાઓનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે એક અજીબ પરંતુ અત્યંત ચિંતાજનક ઘટના સામે આવી છે. બિલેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે સવારે ફાયર બ્રિગેડની ગાડી ખરાબ રસ્તાને કારણે વચ્ચે જ ફસાઈ ગઈ હતી. શહેરની ઇમરજન્સી સેવાઓને પણ ખાડાઓનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની સ્થિતિ ખુબ જ જર્જરિત છે. વરસાદી સિઝન બાદ રસ્તાઓ પર મોટા ખાડાં પડી ગયાં છે, જેના કારણે સામાન્ય વાહનવ્યવહાર પણ મુશ્કેલ બની ગયો છે. લોકો અનેકવાર મહાનગર પાલિકાને લેખિત તેમજ મૌખિક રજુઆતો કરી ચૂક્યા છે, છતાં સમસ્યાનો ઉકેલ થતો નથી. આજે ફાયર બ્રિગેડની ટીમને એક કોલ મળતાં ઘટનાસ્થળ તરફ દોડી રહી હતી ત્યારે ગાડી આગળ વધતાં એક મોટા ખાડામાં ચકરાઇને ફસાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમયસર કામગીરીમાં વિલંબ થવાને કારણે તંત્રની કાર્યક્ષમતાની પ્રશ્નચિહ્નો ઊભા થયા છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ માર્ગ પર રોજિંદા અરાજક પરિસ્થિતિ સર્જાય છે. ખાડાઓના કારણે અકસ્માતોની શક્યતાઓ વધતી જાય છે, અને હવે ફાયર બ્રિગેડ જેવી મહત્વપૂર્ણ સેવા પણ અડચણમાં આવી હોય તે ગંભીર મુદ્દો છે. કેટલાક રહેવાસીઓએ જણાવ્યું કે અનેકવાર કાઉન્સિલર તથા ઝોન ઓફિસમાં ફરિયાદો નોંધાવાઈ છે, છતાં કોઈ પગલાં લેવાતા નથી. “જ્યા સુધી કોઈ મોટી દુર્ઘટના નહીં બને ત્યાં સુધી તંત્રને જાગૃતિ આવતી નથી,” એવી પ્રતિક્રિયા પણ જોવા મળી હતી.

મહાનગર પાલિકાના એક અધિકારીએ પ્રાથમિક પ્રતિભાવ આપતાં જણાવ્યું કે માર્ગોની મરામત માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ છે અને ટૂંક સમયમાં રીપેરિંગનું કામ હાથ ધરાશે. પરંતુ લોકોનો પ્રશ્ન છે કે મરામતની કાર્યવાહી માત્ર કાગળ પર નહીં, જમીન પર દેખાવા જોઈએ. આ ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે વડોદરાના કેટલાક વિસ્તારોમાં રસ્તાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ચૂકી છે. જો તંત્ર દ્વારા તાત્કાલિક મરામત હાથ ધરાશે નહીં તો આવનારા સમયમાં વધુ ઇમરજન્સી સેવાઓ તથા નાગરિકોને મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. એવું સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે.

(2:33 PM IST)