<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

પાટણમાંથી મોટા નકલી ઘી બનાવતા કૌભાંડનો પર્દાફાશ :નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: લાખોનો મુદ્દામાલ કબ્જે

LCBની ટીમે રેડ દરમિયાન અંદાજે 5 લાખ રૂપિયાથી વધુનો નકલી ઘીનો જથ્થો તેમજ તેને બનાવવામાં વપરાતો કાચો માલ અને મશીનરી કબ્જે કરી

પાટણમાંથી એક મોટા નકલી ઘી બનાવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં LCB એ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ફેક્ટરીમાં ગાયના શુદ્ધ ઘીના નામે ગ્રાહકોને છેતરીને નકલી ઘી વેચવામાં આવતું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓ સોયાબીન તેલ અને વનસ્પતિ ઘી (ડાલડા)ની મિલાવટ કરીને અલગ અલગ બ્રાન્ડના નકલી ઘી બનાવતા હતા. ત્યારબાદ આ નકલી પ્રોડક્ટને બજારમાં ગાયનું શુદ્ધ ઘી તરીકે રજૂ કરીને વેચવામાં આવતી હતી.

 

LCBની ટીમે રેડ દરમિયાન અંદાજે 5 લાખ રૂપિયાથી વધુનો નકલી ઘીનો જથ્થો તેમજ તેને બનાવવામાં વપરાતો કાચો માલ અને મશીનરી કબ્જે કરી છે. પોલીસે આ નકલી ફેક્ટરી ચલાવતા મુખ્ય ત્રણ આરોપીઓ અશ્વિન મોદી, ધ્રુમિલ મોદી અને પ્રકાશ મોદીની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

 

આ ઘટના ફરી એકવાર પાટણમાં નકલી ખાદ્ય પદાર્થોના કારોબારની ગંભીરતા દર્શાવે છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષમાં પાટણ SOG અને LCB દ્વારા અનેકવાર બાતમીના આધારે નકલી ઘી અને અન્ય ખાદ્ય પદાર્થો બનાવતી ફેક્ટરીઓ પર સફળ રેડ કરવામાં આવી છે. તેમ છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ નકલી ઘીના કારોબાર પર કોઈ કડક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે આવા ગેરકાયદેસર ધંધા સતત ફૂલીફાલી રહ્યા છે.

(7:49 PM IST)