News of Saturday, 22nd November 2025
કેન્દ્રીય તપાસ એજન્સીઓનું 'જલ જીવન મિશન' પર ફોકસ : 'નલ સે જલ' યોજનામાં વ્યાપક ગોલમાલની ફરિયાદો બાદ ગુજરાતમાં તપાસ ટીમોની એન્ટ્રી
ઝડપી લક્ષ્યાંક પૂરો કરવાની લ્હાયમાં ૯૧.૧૮ લાખ ઘરોમાં થયેલા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની આશંકા : ધારાસભ્યોએ સરકારને રજૂઆતો કરી - ગુજરાતમાં ૧૬ હજારથી વધુ ફરિયાદો મળી : કાગળ પર કામ પૂર્ણ બતાવી સરકારી નાણાં ઉસેડાયા : સીબીઆઈ પણ તપાસમાં ઝંપલાવે તેવી શક્યતા!

ગાંધીનગર, તા. 22 નવેમ્બર : કેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી 'નલ સે જલ' (જલ જીવન મિશન) યોજનામાં લક્ષ્યાંક પૂરો કરવાની ઉતાવળમાં થયેલા કામોમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદોને પગલે હવે કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. આ ભ્રષ્ટાચાર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં થયો હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં ૧૬ હજારથી વધુ ફરિયાદો
કેન્દ્ર સરકારે ૨૦૧૯ માં દરેક ગ્રામીણ ઘરોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાના હેતુથી આ યોજના શરૂ કરી હતી અને તેનું લક્ષ્ય ૨૦૨૪ માં પૂર્ણ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, ઝડપથી કામગીરી પૂર્ણ કરવાના ધસારામાં ગુણવત્તા અને દેખરેખનો અભાવ જોવા મળ્યો છે.
* ફરિયાદોનો પહાડ: ગુજરાત રાજ્યના ૯૧.૧૮ લાખ ઘરોમાં જલ જીવન યોજના અંતર્ગત થયેલા કામોમાં અનિયમિતતાની ૧૬ હજારથી વધુ ફરિયાદો વિવિધ વિસ્તારોમાંથી મળી છે.
* સત્તાપક્ષના સવાલો: સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ પણ આ મામલે સરકાર સમક્ષ રજૂઆતો કરી છે અને વિધાનસભામાં પણ સવાલો ઉઠાવ્યા છે.
કાગળ પર કામ, જમીન પર ગોટાળો
તપાસકર્તાઓનું માનવું છે કે અનેક ઠેકાણે માત્ર કાગળ પર જ યોજના પૂર્ણ થયાનું દર્શાવીને સરકારી નાણાં ઉસેડી લેવામાં આવ્યા છે. સ્થળ પરની સ્થિતિ વિસંગતતા દર્શાવે છે:
* કેટલાક ઘરોમાં નળ (Tap) ફિટ કરવામાં આવ્યા છે, પરંતુ પાણીની પાઇપલાઇન નથી.
* જ્યારે ઘણા ઘરોમાં પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ તેના પર નળ ફિટ કરાયા નથી.
ભ્રષ્ટાચારની આ ગંભીર ફરિયાદો બાદ હવે સીબીઆઈ (CBI) પણ આ કેસમાં તપાસ માટે ઝંપલાવે તેવી પ્રબળ શક્યતા છે. (ધસેક્રેટરીયટ.કોમ માંથી સાભાર)
(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
