<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

રાજ્ય સરકારમાં મળેલી નોકરીની તકને માત્ર નિમણૂક નહી પણ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વિવિધ વિભાગમાં નવી નિમણૂક મેળવેલા ૪૪૦૦ થી વધુ યુવાઓને આહવાન:વિવિધ સંવર્ગોમાં વર્ગ – 3માં નવી નિમણૂક પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત સમારોહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન: રાજ્યના નાગરિકોની સેવા કરવા માટે મળેલી તકનો ઉપયોગ નાગરિકોની આશાઓ પરિપૂર્ણ કરવા, હકારાત્મકતાથી થાય તેની કાળજી રાખવા નાયબ મુખ્યમંત્રીનો અનુરોધ: મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ ૧૪,૫૦૭ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરાશે :નાયબ મુખ્યમંત્રી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં વર્ગ-3માં નવી નિમણૂક મેળવી રહેલાં ૪,૪૭૩ યુવાઓને આહવાન કર્યુ કે,રાજ્ય સરકારની સેવામાં તેમને મળેલી તકને માત્ર નિમણૂક નહી પરંતુ સામાન્ય માનવીની સેવાથી રાષ્ટ્રનિર્માણમાં યોગદાનની તક તરીકે સ્વીકારે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવ:નો મંત્ર સરકારમાં અપનાવ્યો છે અને લોકોને ગુડ ગવર્નન્સની સતત પ્રતિતિ કરાવી છે. નવી નિમણૂક મેળવી રહેલા યુવાઓ પણ પ્રમાણિકતા સાથે કાર્યરત રહીને, કોઈ નાના માનવીની મુશ્કેલી દૂર કરીને કે કોઈ વિધવા માતાના આંસુ લુછીને ,નિરાધારનો આધાર બનીને સંવેદનશીલ સરકારની અનુભૂતિ પોતાના વાણી વર્તન અને વ્યવહારથી કરાવે તેવી તેમની પાસેથી અપેક્ષા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલના હસ્તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે “વિકસિત ભારત, વિકસિત ગુજરાત” અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિભાગોમાં વિવિધ કેડરમાં પસંદગી પામેલા  કુલ ૪,૪૭૩ ઉમેદવારોમાંથી પ્રતિકાત્મક રૂપે ૨૧ જેટલા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ  અન્ન નાગરિક પુરવઠા- ગ્રાહકોની બાબતોના મંત્રી રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.
મુખ્યમંત્રીએ યુવાઓને પ્રેરણા આપતાં કહ્યુ કે, ફરજો અને કામગીરીમાં શિથિલતા નહી પરંતુ નવિનતાના અભિગમ સાથે રાષ્ટ્રહિત પ્રથમ અને રાજ્યના વિકાસથી રાષ્ટ્રના વિકાસના ભાવને સમગ્ર કેરિયરમાં પ્રાથમિકતા આપીને 2047ના વિકસિત ભારતના નિર્માણના તેઓ સંવાહક બને
તેમણે કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુડ ગવર્નન્સ માટે ટ્રાન્સપરન્સી અને ડિજિટલ ટેકનોલોજીનો વધુ ઉપયોગ તથા હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પર જે ફોકસ કર્યુ છે તેને ગુજરાતે પારદર્શી નિમણૂકથી સાકાર કર્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારે માનવ સંસાધન માટે ટેક્નોલોજીના ઉપયોગથી કાર્યરત કરેલા 3000થી વધુ કેડરની માહિતી સાથેના કેડર મેનેજમેન્ટ પોર્ટલ અને ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડરની વિગતો આપી હતી.
તેમણે કહ્યું કે આના પરિણામે ભવિષ્યના મેન પાવર રિક્રુટમેન્ટ માટેનું આયોજન સરળ બન્યું છે. રોજગાર ઈચ્છુક યુવાનોને પણ પરીક્ષાની આગોતરી માહિતી મળી રહે છે અને પુરી તૈયારી કરીને તેઓ સફળતા મેળવી શકે છે. 
દેશના યુવાઓ માટે સરકારી નોકરી ઉપરાંત ખાનગી, જાહેર ક્ષેત્રોમાં “હર હાથ કો કામ, હર કામ કા સન્માન”નો ધ્યેય સાકાર કરતાં રોજગાર અવસરો વડાપ્રધાનના નેતૃત્વમાં શરૂ થયેલા રોજગાર મેળાથી ખુલ્યાં છે તથા 3.5 કરોડ યુવાઓને રોજગાર અવસર આપવા માટે વડાપ્રધાનના વિઝનથી પીએમ વિકસિત ભારત યોજના શરૂ થઈ છે તેમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.
નવી નિમણુંક મેળવી રહેલા યુવાઓને મુખ્યમંત્રીએ ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિમણૂકપત્ર મેળવનાર તમામ ઉમેદવારોનું ગુજરાત સરકાર પરિવારમાં સ્વાગત સહ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતની યુવાશક્તિ માટે એક સુવર્ણ દિવસ છે. આજે સૌ ઉમેદવારોએ અથાક પરિશ્રમને અંતે આ સિધ્ધિ પ્રાપ્ત કરી છે, ત્યારે તેમના માતા પિતા અને પરિવારના સભ્યોના સપનાઓ પણ સાકાર થયા હશે. આ સફળતા જનસેવાની નવી શરૂઆત છે. નિમણૂક પામનાર સૌ ઉમેદવારોને રાજ્યના નાગરિકોના કામ કરવા માટે તક મળી છે. આ તકનો ઉપયોગ નાગરિકોની સેવા કરવા માટે હકારાત્મક અભિગમ સાથે થાય તેવી કાળજી રાખવા નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. 
એપ્રિલ ૨૦૨૫ થી અત્યાર સુધીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૦૧ જેટલી પરીક્ષાઓ યોજીને રેકોર્ડ બનાવ્યો છે.ઓનલાઇન, પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરનાર ગૌણ સેવા પસંદગી મંડળની સમગ્ર ટીમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા
 હર્ષ સંઘવીએ આ પ્રસંગે મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા રાજ્યના લાખો યુવાનો માટે આ જ મહિનાના અંત સુધીમાં ગુજરાત પોલીસ દળમાં કુલ ૧૪,૫૦૭ નવી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવશે. જેમાં PSI અને લોકરક્ષક જેવી મુખ્ય કેડરની ૧૩,૫૯૧ જગ્યાઓ અને ટેકનિકલ કેડરની ૯૧૬ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, હાલમાં ગુજરાત પોલીસ દળની ચાલી રહેલી ૧૨થી વધુ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે, જેમના નિમણૂક પત્રો પણ ટૂંક સમયમાં અપાશે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશાના માધ્યમથી નવ નિયુક્ત ઉમેદવારને અભિનંદન આપીને 'વિકસિત ભારત' માટે પોતાનું મહત્તમ યોગદાન આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્ય સચિવ  એમ. કે. દાસે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, દરેક યુવાનોનું સરકારી નોકરી મેળવવાનું એક સ્વપ્ન હોય છે અને આજનો દિવસ તે સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અવસર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગૌણ સેવા મંડળ દ્વારા આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક રીતે કરીને તમામ તબક્કામાં આધુનિક ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો છે.
 મુખ્ય સચિવએ કહ્યું હતું કે,આગામી સમયમાં આંગણવાડી તથા પોલીસ વિભાગમાં નિષ્‍પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌ નસીબદાર છો કે રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળા દરમિયાન આપની ભરતી થઈ રહી છે.આપના કાર્યકાળમાં ભારત વિકાસની નવી દિશાઓ સર કરવા જઈ રહ્યું છે તેમાં તમે તમારું મહત્તમ યોગદાન આપશો તેવો વિશ્વાસ આ પ્રસંગે મુખ્ય સચિવએ વ્યક્ત કર્યો હતો.
મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ પ્રસંગે ઉપસ્થિત સૌનો આભાર માનીને નવ નિયુક્ત ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યભરમાંથી પસંદગી પામેલા ઉમેદવારોમાંથી સૌથી વધુ જુનિયર ક્લાર્ક વર્ગ-૩ માં ૨,૮૨૮ ઉપરાંત સબ રજિસ્ટ્રાર ગ્રેડ ૧-૨ ની મળીને કુલ ૯૨, સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ-૩ની કુલ ૨૨, સિનિયર ક્લાર્ક વર્ગ-૩ની ૩૩૯, હેડ ક્લાર્ક વર્ગ-૩ની ૧૩૮, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ-૩ની કુલ ૨૦, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ-૩ની ૧૪૪ તેમજ ગૃહપતિ,ઓફિસ આસિસ્ટન્સ, ડેપો મેનેજર, આસિસ્ટન્ટ ડેપો મેનેજર, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ-૩,હિસાબનીશ વર્ગ -૩, પેટા હિસાબનીશ વર્ગ-૩ અને સર્વેયરની કુલ ૮,૮૨ આમ, કુલ-૪,૪૭૩ જગ્યાઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકીયા,સામાન્ય વહીવટ વિભાગ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ સનદી અધિકારીઓ,કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા

(8:29 PM IST)