તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Thursday, 27th November 2025
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોના દેવા માફ કરો, બળજબરીથી જમીન સંપાદન, ખાતરની તંગી, કાળાબજારી બંધ કરો: અમિત ચાવડા
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા છઠ્ઠે દિવસે હિંમતનગરથી મોડાસા પહોંચી, આદિવાસી યુવાઓ સ્કોલરશીપથી વંચિત, જાતિના દાખલાઓ હેરાન, યુવાનોને નોકરી નથી મળતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના છઠ્ઠા દિવસની શરૂઆત હિંમતનગરના રાજેન્દ્રનગર ચોકડીથી કરવામાં આવી. ત્યારબાદ યાત્રા દવલી ગામ, માલપુર-વાંટદા ટોલટેક્સ, ખારી ગામ, શામળાજી, દેવની મોરી, સરકી લીમડી, ઇસરી, રેલ્લાવાડા, પંચાલ ચોકડી અને મેઘરજ માર્ગે મોડાસા તરફ આગળ વધી. રસ્તામાં ઠેર-ઠેર મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે ભાજપના રાજમાં શિક્ષણ મોંઘું બન્યું છે, પરીક્ષાના પેપરો લીક થઈ જાય છે. GPSC જેવી સંસ્થાઓમાં જાતિના આધારે ભેદભાવ થાય છે, ચોક્કસ વર્ગના ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં વધુ ગુણ આપવામાં આવે છે અને લાયક યુવાનોને નોકરીથી વંચિત રાખવામાં આવે છે. અને જો સરકાર નોકરી આપે તો ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પે જેવી શોષણકારી નીતિઓ લાદવામાં આવે છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસની સરકારે કાયમી નોકરીઓ આપી હતી, પરંતુ આજે ભાજપ સરકાર યુવાઓનું ખુલ્લેઆમ શોષણ કરી રહી છે. જુના અંગ્રેજોને તો અમે ભગાડ્યા અને હવે આ નવા અંગ્રેજોને પણ સત્તા છોડવા મજબૂર કરીશું.
વધુમાં તેમણે જણાવ્યું કે અરવલ્લી જિલ્લામાં વિકાસના નામે સરકારે ખેડૂતોની જમીનોનું બળજબરીથી સંપાદન કરવામાં પ્રયત્નો કર્યા છે અને હજુ પણ તેમની જમીન હડપવાની કોશિશ ચાલી રહી છે. રાજ્યમાં કરોડોના BZ કાંડમાં મંત્રીઓ અને તેમના પુત્રોની સંડોવણી સામે આવી છે. ભાજપના મંત્રી પુત્રો અને નેતાઓ દાદાગીરી કરે છે, રસ્તા વચ્ચે સામાન્ય લોકોને મારામારી કરે છે અને રાજ્યની પોલીસ એમના સામે ઠોસ કાર્યવાહી કરવાને બદલે મુકદર્શક બનીને બેસી રહે છે.
શ્રી ચાવડાએ આગળ કહ્યું કે સરકાર ખેડૂતોને પૂરતી સહાય આપતી નથી અને હવે ખાતર પણ મળતું નથી. ખેડૂતોને ગોડાઉનના તાળા તોડવા મજબૂર થવું પડે છે, અહીંનું ખાતર રાજસ્થાનમાં વેચાઈ જાય છે, એવા ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે છતાં સરકાર કોઈ પગલું લેતી નથી, કારણ કે આમાં ભાજપના મળતીયાઓ જ શામેલ છે. અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતોને ગામલોકોના વિરોધ છતાં નગરપાલિકામાં સામેલ કરવાની કાર્યવાહી ચાલુ છે. સાબરડેરીમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે નફાના પૈસા આપવામાં આવતા નથી અને ખેડૂતો હક્ક માંગે તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે. આદિવાસી સમાજના યુવાઓને જાતિના દાખલા નથી આપવામાં આવતા, સ્કોલરશીપથી વંચિત રાખવામાં આવે છે અને જમીન જંગલના દાવાઓના પશ્નો પણ છે. વિસ્તારના પીવાના પાણીની સમસ્યાઓ ગંભીર છે, રોડ-રસ્તાઓ અત્યંત ખરાબ હાલતમાં છે અને બોર્ડર વિસ્તારમાં દારૂ, ડ્રગ્સ તથા નશાખોરીનો સામાન ખુલ્લેઆમ આવે છે છતાં સરકાર કોઈ પગલાં લેવા તૈયાર નથી.
ડૉ. તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે તાજેતરમાં સહાય પેકેજ જાહેર કર્યું જેમાં 18 લાખ 70 હજાર ખેડૂતોએ અરજી કરી હતી, જેમાંથી ફક્ત 1 લાખ 31 હજાર ખેડૂતોને જ સહાય મળી છે. બાકીના 17 લાખ ખેડૂતોએ હજુ સુધી કોઈ સહાય મળી નથી. ખરીફ પાક ધોવાઈ જવાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, હવે રવિ પાક માટે ખાતર અને દવાના ખર્ચની વ્યવસ્થા કેવી રીતે કરશે તે મોટો પ્રશ્ન છે. પરિણામે ખેડૂત વધુ દેવામાં ધકેલાઈ રહ્યાં છે.
ડૉ. ચૌધરીએ કહ્યું કે કોંગ્રેસની સરકારમાં ડીઝલ 56 રૂપિયામાં અને પેટ્રોલ 72 રૂપિયામાં મળતું હતું, જ્યારે આજે ભાજપ સરકાર ડીઝલ 90 રૂપિયા અને પેટ્રોલ 92 રૂપિયા લિટરે આપે છે. કોંગ્રેસ ગેસ સિલિન્ડર 350 રૂપિયામાં આપતી હતી, જ્યારે હાલની સરકાર એ જ ગેસ સિલિન્ડર 1100 રૂપિયામાં આપે છે. આવી મોંઘવારી અને ત્રાસતી નીતિઓ સામે હવે આવી સરકારને બદલવી અત્યંત જરૂરી બની ગઈ છે.
યાત્રામાં ડૉ. તુષારભાઈ ચૌધરી, દાંતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, અરવલ્લી જિલ્લા પ્રમુખ શ્રી અરુણ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોર, વરિષ્ઠ આગેવાનો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાયા હતા.
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
