<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

વેપારીઓના બેન્‍ક એકાઉન્‍ટ આડેધડ જપ્‍ત કરી રહ્યો છે જીએસટી વિભાગ

ઓનલાઈન પોર્ટલ પર વીસ વર્ષ પહેલાની ડિમાન્‍ડ દેખાય તો પણ તે ડિમાન્‍ડની સચ્‍ચાઈને ચકાસ્‍યા વિના જ ફ્રીજ કરાતા બેન્‍ક એકાઉન્‍ટ

અમદાવાદ,તા.૨૭: ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સના નિયમોને ચાતરી જઈને સ્‍ટેટ જીએસટી અને સેન્‍ટ્રલ જીએસટીના અધિકારીઓ દરોડાના કિસ્‍સામાં જરૂર હોય કે ન હોય વેપારીઓના બેન્‍ક ખાતાઓ ફ્રીજ કરી દે છે. દરોડો પાડયા પછી તપાસ અધિકારીઓને લાગે કે બેન્‍ક એકાઉન્‍ટ ફ્રીજ કરવા જેવું છે તો તેના કારણો આપીને અને કમિશનરની મંજૂરી લઈને એટેચમેન્‍ટ કરવાનું રહે છે. જીએસટી પોર્ટલ પરના વેપારીઓના એસજીએસટી અને સીજીએસટી એક્‍ટની કલમ ૮૩ હેઠળ બેન્‍ક એકાઉન્‍ટ ફ્રીજ કરી દે છે.

આ એટેચમેન્‍ટ એક વર્ષ સુધી જ રાખવાનો નિયમ છે. છતાં અધિકારીઓ એટેચમેન્‍ટ હટાવતા નથી. એક વર્ષ પછી એટેચમેન્‍ટ હટાવવાનો ઓર્ડર કરવો અધિકારીઓ માટે ફરજિયાત છે. પરંતુ આ પ્રકારનો ઓર્ડર કરતાં નથી. એક વર્ષથી વધુ સમય સુધી એટેચમેન્‍ટ હટાવવા માટે અધિકારીઓ પાસે બેન્‍ક એકાઉન્‍ટને એટેચ રાખવા માટેના સંગીનમાં સંગીન કારણો હોવા જોઈએ. આ કારણે વેપારીઓને જણાવવા જરૂરી છે. પરંતુ અધિકારીઓ વેપારીઓને આ બાબતમાં જાણ કરવાની તસદી શુદ્ધા લેતા નથી.

દરોડા સિવાયના કેસમાં કોઈ વેપારી સામે કોઈ ઓર્ડર થયો હોય અને વેપારીને અપીલ કરવા માટે મળતા ત્રણ મહિના ઉપરાંત એક મહિનાના ગ્રેસ પિરિયડમાં વેપારી અપીલ કરવામાં નિષ્‍ફળ જાય તો પણ તેના બેન્‍ક એકાઉન્‍ટને એટેચ કરી દેવામાં આવી રહ્યા છે. આ જ રીતે વેટ-વેલ્‍યુ એડેડ ટેક્‍સના કોઈ જૂના લેણા તેમને પોતાના કોમ્‍પ્‍યુટરમાં દેખાય તો કે આગળના કાયદા હેઠળની ડિમાન્‍ડ દેખાય તો પણ બેન્‍ક એકાઉન્‍ટ ફ્રીજ કરી દે છે

૨૦૦૨-૦૩ના વર્ષની બાકી ન બોલતી હોય પણ કોમ્‍પ્‍યુટરમાં ડિમાન્‍ડ દેખાય તો પણ બેન્‍ક એકાઉન્‍ટ ફ્રીજ કરીને તેના લેણા વસૂલીલે છે. કાયદેસર તે ડિમાન્‍ડ બાકી છે કે કોર્ટમાં નીકળી ગઈ છે તેની ખરાઈ કર્યા વિના જ તેઓ બેન્‍ક એકાઉન્‍ટ ફ્રીજ કરી દેતા હોવાની ફરિયાદો સતત વધી રહી છે.

વેપારીઓના ઈલેક્‍ટ્રોનિક ક્રેડિટ લેજરમાંથી બારોબાર પૈસા ખેંચી લેતા હોવાનું જોવા મળે છે. કોઈ વેપારીને નોટિસ આપ્‍યા વિના અને તેની આકારણી બાકી ન હોવા છતાં અને ડિમાન્‍ડ નીકળતી ન હોવા છતાં તે વેપારીએ અન્‍ય કોઈ વેપારી સાથે ખરીદીનો સોદો કર્યો હોય અને જેની પાસેથી ખરીદી કરી હોય તેનો જીએસટી રજિસ્‍ટ્રેશન નંબર રદ થઈ ગયો હોય તો તેવા કેસમાં ખરીદનારની ઈલેક્‍ટ્રોનિક ક્રેડિટ લેજરની રકમમાંથી સોદાની રકમના જીએસટીને બ્‍લોક કરી દે છે. ક્રેડિટ લેજરમાં એટેચ કરી દે છે.

આ સોદો ત્રણ વર્ષ પહેલાની હોય તો પણ ક્રેડિટ બ્‍લોક કરી દેવામાં આવે છે. તેના પર લેવામાં આવેલી ટેક્‍સ ક્રેડિટની રકમ બ્‍લોક કરી દેવામાં આવે છે. અમદાવાદના બચત ભવનમાંથી કેટલાક ડેપ્‍યુટી કમિશનરોએ આ પ્રકારે વેપારીઓને નોટિસ આપ્‍યા વિના તેમના ખાતા બ્‍લોક કરી દીધા છે. માત્ર ઓનલાઈન ડિમાન્‍ડ દેખાઈ તેને ચકાસ્‍યા વિના જ તેમના ખાતાંમાંની રકમ બ્‍લોક કરી દેવામાં આવે છે.

આમ ગુજરાત અને કેન્‍દ્ર સરકારના જીએસટી અધિકારીઓ વેરો ન મળવાનો હાઉ ઊભો કરીને વેપારીઓના બેન્‍ક એકાઉન્‍ટના આડેધડ ફ્રીજ કરી રહ્યા છે. બેન્‍ક એકાઉન્‍ટને ફ્રીજ કરવાની સમય મર્યાદા વીતિ ગયા પછીય તે એકાઉન્‍ટ ખોલી આપતા નથી. પરિણામે વેપારી આલમની હાલાકી વધી રહી છે.

વેપારીઓના બેન્‍ક ખાતામાંથી કોઈપણ રકમ ડેબિટ ન થાય અને વેપારી તે ખાતામાંથી કોઈપણ આર્થિક વહેવાર ન કરી શકે તેવી નોબત લાવી દે છે. પરિણામે વેપારીઓના પેમન્‍ટ તેમની સામેના ડિપાર્ટમેન્‍ટના લેણા સામે એડજસ્‍ટ થયા કરે છે અને વેપારીઓના બિઝનેસના વહેવારો અટકી પડે છે

 

(9:58 AM IST)