<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

દૂધસાગર ડેરીની ચૂંટણી બિનહરીફ જાહેર : ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત તમામ 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ વિજેતા

15 ડિરેક્ટરની ચૂંટણીમાં તમામ સભ્યો બિનહરીફ થયા 63માંથી 4 ફોર્મ રદ થયા બાદ 59 ફોર્મ માન્ય , 44 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી, 15 બિનહરીફ જાહેર થયા

મહેસાણા સ્થિત સહકારી ક્ષેત્રની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી અને ખેડૂતોના આર્થિક જીવન સાથે જોડાયેલી દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને આજે સૌથી મોટા અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત ચૂંટણી 'સમરસ' જાહેર થઈ છે. મેનેજિંગ કમિટીની તમામ 15 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ પરિણામોએ માત્ર ઉત્તર ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યના રાજકારણમાં એક નવો ચીલો ચાતર્યો છે.

આ ચૂંટણીને સમરસ બનાવવામાં ભારતીય જનતા પક્ષને સૌથી મોટી સફળતા મળી છે. મળતી જાણકારી અનુસાર ડેરીના રાજકારણમાં લાંબા સમયથી ચાલી આવતા આંતરિક વિખવાદો અને હરીફાઈનો અંત લાવવા માટે ભાજપના મોવડીમંડળે સક્રિય ભૂમિકા ભજવી હતી. ભાજપના નેજા હેઠળ એક વ્યાપક સમાધાન સૂત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેના પરિણામે હરીફ જૂથોએ ડેરીના હિતમાં સહમતી દર્શાવી છે.

આ સમાધાનના ભાગરૂપે જ કુલ 59 ઉમેદવારોમાંથી 44 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા હતા. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ડેરીની કોઈ પણ બેઠક પર હવે મતદાનની જરૂર રહી નથી, જે સહકારી ચૂંટણીના ઇતિહાસમાં એક નોંધનીય ઘટના છે. દૂધસાગર ડેરીના સંચાલક મંડળમાં બિનહરીફ વિજેતા જાહેર થયેલા મહત્ત્વના નામોમાં પ્રાદેશિક નેતૃત્વનો સમાવેશ થાય છે. મહેસાણા બેઠક પરથી સહકારી અગ્રણી અશોક ચૌધરી બિનહરીફ જાહેર થયા છે. તેવી જ રીતે માણસા બેઠક પરથી અમિત ચૌધરીની પણ બિનહરીફ વરણી થઈ છે. આ સિવાય અન્ય 13 બેઠકો પર પણ સર્વસંમતિથી ઉમેદવારોની પસંદગી થતાં નવું બોર્ડ શાંતિપૂર્ણ માહોલમાં રચાયું છે.

દૂધસાગર ડેરીની ચૂંટણીનું આ પરિણામ સહકારી ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત દર્શાવે છે, જ્યાં વિકાસ અને સર્વસંમતિને રાજકીય હરીફાઈ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભાજપના મોવડીમંડળે કરેલા સફળ સંકલનને કારણે ડેરીના સંચાલક મંડળની રચના એક શાંતિપૂર્ણ અને વિરોધમુક્ત માહોલમાં થઈ છે. આ પગલું ઉત્તર ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકોના હિતમાં હોવાનું માનવામાં આવે છે.

(10:56 PM IST)