<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th November 2025

ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજીના અગ્ર સચિવ પદે નિવૃત્ત આઈએએસ એ.એમ. શર્માની નિમણૂક: એક વર્ષ માટે કરાર આધારિત જવાબદારી સોંપાઈ

આ નિમણૂક નિવૃત્તિ બાદના કરાર આધારિત રહેશે અને સાતમા પગાર પંચના નિયમો મુજબ પગારધોરણ નક્કી કરવામાં આવ્યું

ગાંધીનગર સ્થિત સામાન્ય વહીવટ વિભાગે આજે એક મહત્વનું જાહેરનામું બહાર પાડીને ૨૦૦૮ બેચના આઈએએસ અધિકારી એ.એમ. શર્માને ગુજરાતના માનનીય રાજ્યપાલના અગ્ર સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક નિવૃત્તિ બાદના કરાર આધારિત રહેશે અને સાતમા પગાર પંચના નિયમો મુજબ પગારધોરણ નક્કી કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ૨૯ નવેમ્બર ૨૦૨૫ ના રોજ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, એ.એમ. શર્માને કરારના ધોરણે ગુજરાતના રાજ્યપાલના અગ્ર સચિવ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક તેઓ ચાર્જ સંભાળે ત્યારથી એક વર્ષના સમયગાળા માટે અથવા તો આ જગ્યા પર નિયમિત અધિકારીની નિમણૂક થાય ત્યાં સુધી (બેમાંથી જે વહેલું હોય તે) અમલમાં રહેશે.
સરકારના આદેશ અનુસાર, તેમની આ કરાર આધારિત નિમણૂક સાતમા પગાર પંચની 'લાસ્ટ પે માઈનસ પેન્શન' (છેલ્લા પગારમાંથી પેન્શનની રકમ બાદ કર્યા મુજબ) ની ફોર્મ્યુલાના આધારે કરવામાં આવી છે.
રાજ્યના અધિક મુખ્ય સચિવ (કર્મચારી ગણ) સુનયના તોમરની સહીથી આ હુકમ જારી કરવામાં આવ્યો છે. વહીવટી અનુભવને ધ્યાનમાં રાખીને રાજ્યપાલના કાર્યાલયમાં આ મહત્વની નિમણૂક કરવામાં આવી હોવાનું મનાય છે.

(7:52 PM IST)