<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલની મુશ્કેલી વધી: ગુજરાતમાં વધુ એક ગુન્હો દાખલ કરાયો

લસકાણા પોલીસ સ્ટેશનમાં એક વેપારીને ધમકાવવા અને બદનામ કરવાના ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાઈ

સુરતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલની મુશ્કેલીઓનો અંત આવતો નથી. પાસા (PASA) હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલ સામે ગુજરાતમાં વધુ એક, એટલે કે દસમો ગુનો દાખલ થયો છે. આ વખતે લસકાણા પોલીસ સ્ટેશનમાં એક વેપારીને ધમકાવવા અને બદનામ કરવાના ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે.

 

વેપારી અલ્પેશ ડોંડાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત નવેમ્બરમાં તેઓ એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિઓ કીર્તિ પટેલ વિશે ટિપ્પણીઓ કરી રહ્યા હતા. ડોંડાએ કીર્તિ વિરુદ્ધ કોઈ શબ્દ ઉચ્ચાર્યો ન હોવા છતાં, કીર્તિ પટેલે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી તેમને કોલ કરીને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું. તેણે ડોંડાની પત્ની વિશે પણ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો અને બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા પર અભદ્ર પોસ્ટ્સ અને મેસેજ વાઇરલ કર્યા. લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કીર્તિ પટેલ સામે આ કોઈ પહેલો ગુનો નથી. તેના પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામી જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત ધમકીઓ, ખંડણી અને સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરીને ગુના આચરતા તત્વો સામે કડક કાર્યવાહી અપનાવી રહી છે. વારંવાર ગુના આચરતા છતાં સુધરતા ન હોય તેવા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને કીર્તિ પટેલને પાસા હેઠળ ધકેલવામાં આવી હતી. 

 અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા 93 જેટલા દિવસના જેલવાસ બાદ બહાર આવેલી કીર્તિ પટેલ તરત જ પાસા હેઠળ ફરી જેલમાં ધકેલાઈ હતી. અગાઉ તે બે કરોડની ખંડણી માગવાના કેસમાં પણ ઝડપાઈ હતી. લેન્ડ ગ્રેબિંગ અને ફ્લેટ પચાવી પાડવા જેવા આક્ષેપો પણ તેના પર થયા છે. છેલ્લા એક મહિનામાં તેની બે જામીન અરજીઓ કોર્ટે નામંજૂર કરી દીધી છે. કીર્તિ પટેલ સોશિયલ મીડિયાનો ઉપયોગ લોકોને ધમકાવવા, બદનામ કરવા અને ત્યારબાદ 'સમાધાન'ના નામે બળજબરીથી પૈસા પડાવવા માટે કરતી હોવાનું પણ સામે આવ્યું હતું.

(1:14 PM IST)