News of Thursday, 4th December 2025
ACB ડીમાન્ડ કેસ : ભરૂચના આમોદ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ ₹૭૫,૦૦૦ની લાંચ માંગવાના ગુનામાં સકંજામાં
જંબુસરમાં અરજીની તપાસના કામે હેરાન ન કરવા માટે આમોદ પોલીસ સ્ટેશનના અ.હે.કો. નારણ વસાવાએ ૭૦,૦૦૦ અને પતાવટના ૫,૦૦૦ મળી કુલ ૭૫,૦૦૦ રૂપિયાની લાંચ માંગી : જંબુસર મામલતદાર કચેરી અને ભાટિયા મોબાઈલની દુકાન પાસે ગુનો નોંધાયો

ભરૂચ, તા. ૦૪ ડિસેમ્બર, ૨૦૨૫ : એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભરૂચ જિલ્લામાં લાંચના એક જુના ડીમાન્ડ કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં જંબુસર પોલીસ સ્ટેશનના તત્કાલીન અને હાલ આમોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે અરજી તપાસના કામે ફરિયાદીને હેરાન ન કરવા માટે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.
ગુનાની વિગતો
* આરોપીનું નામ: નારણભાઈ ફતુભાઈ વસાવા (બ.નં. ૮૧૮, વર્ગ-૩), અ.હે.કો., હાલ આમોદ પોલીસ સ્ટેશન, જિ. ભરૂચ.
* લાંચની કુલ માંગણી: ₹૭૫,૦૦૦/-.
* ગુનાનું સ્થળ: જંબુસર ખાતે આવેલ "ભાટીયા" મોબાઈલની દુકાન અને મામલતદાર કચેરી, જંબુસરનું કમ્પાઉન્ડ.
* ગુનાની તારીખ: તા. ૦૩/૦૯/૨૦૧૬ (ડીમાન્ડ કેસ).
આ કામના અરજદાર વિરુદ્ધ જંબુસર પોલીસ સ્ટેશનમાં એક અરજી નોંધાઈ હતી, જેની તપાસ તે સમયે આરોપી નારણ વસાવા કરી રહ્યા હતા. અરજીની તપાસના આધારે અરજદાર વિરુદ્ધ મહે. એક્ઝી મેજિસ્ટ્રેટ, જંબુસર સમક્ષ અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા.
આ અરજી તપાસના કામે અરજદારને હેરાન ન કરવાના બદલામાં આરોપી નારણ વસાવાએ સૌપ્રથમ ₹૭૦,૦૦૦/- ની અને ત્યારબાદ પતાવટના ₹૫,૦૦૦/- મળીને કુલ ₹૭૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. આ અનુચિત લાભ મેળવવાના હેતુથી કરાયેલી લાંચની માંગણીના આધારે ACB માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ભરૂચ ACB પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એમ.જે. શિંદે ફરિયાદી છે, જ્યારે વડોદરા શહેર ACB ના પો.ઈન્સ. એ.જે. ચૌહાણે કેસની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહી સુરત ACB એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર. ચૌધરીના સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહી છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
