News of Saturday, 6th December 2025
શિયાળુ પાકને ટાઢથી ફાયદોઃ ઘઉં, ચણા, જીરૂ બજારમાં મોડા આવશે
દિવાળી પછીના વરસાદથી ખેતી ઉપજનું સમયપત્રક બદલાયું: માર્ચ ઉતરાર્ધ કે એપ્રિલ પ્રારંભે પાક તૈયાર થઇ જશેઃ પાણીની સ્થિતિ ખૂબ સારી

રાજકોટ તા. ૬: ગુજરાતમાં રવિ પાક તરીકે ઓળખાતા શિયાળુ પાકનું વાવેતર લગભગ બધા વિસ્તારોમાં થઇ ગયું છે. સામાન્ય રીતે દિવાળી પૂર્વેના દિવસોમાં અથવા દિવાળી પછી તુરત રવિ પાકનું વાવેતર થઇ જતું હોય છે પણ આ વખતે દિવાળી પછીના પ્રથમ પખવાડિયામાં ધોધમાર કમોસમી વરસાદ પડતા રવિ પાકનું વાવેતર મોડું થયું છે. અમૂક જગ્યાએ નવેસરથી વાવેતર કરવું પડયું છે. આ વર્ષે શિયાળુ પાક બજારમાં ૧પ થી ર૦ દિવસ મોડો આવે તેવા સંજોગો છે. હાલ શરૂ થયેલી ગુલાબી ઠંડી વાવેતર માટે ફાયદાકારક ગણાય છે.
સૌરાષ્ટ્રમાં શિયાળામાં મુખ્યત્વે ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવે છે. ઉપરાંત જીરૂ, ધાણા, લસણ, ડુંગળી વગેરે વાવવામાં આવે છે. વાવેતરની સારી ઉપજ માટે પાણી અને હવામાન નિર્ણાયક હોય છે આ વખતે પાછોતરા અને કમોસમી પુષ્કળ વરસાદના કારણે મોટાભાગના કૃષિ વિસ્તારોમાં પાણીની સ્થિતિ સારી છે. હાલની ટાઢ પણ પાકને ફાયદો કરશે.
શિયાળુ પાક ૩ થી ૪ મહિનાના હોય છે. દર વર્ષે ઘઉં, ચણા, જીરૂ, લસણ વગેરે ફેબ્રુઆરી અંતમાં અથવા માર્ચ પ્રારંભે બજારમાં આવવા લાગે છે. આ વર્ષે દિવાળી પછીના વરસાદથી સ્થિતિ બદલાતા ખેત ઉપજ માર્ચ અંત અથવા એપ્રિલ પ્રારંભે બજારમાં આવે તેવા એંધાણ છે ખેડૂતોને શિયાળુ પાક સોળ આની થવાની આશા છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
