<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

વડોદરા પોલીસને ગુનાખોરી સામે 15 દિવસના આંતરરાજ્ય કોમ્બિંગ ઓપરેશનમાં મોટી સફળતા : પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ વર્ષોથી નાસતા-ફરતા કુલ 40 આરોપીઓને ઝડપી લેવાયા

ડીસીપી ક્રાઈમ હિમાંશુકુમાર વર્માના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1થી 4ની ટીમોએ ઓપરેશન હાથ ધર્યું : વિશેષ તપાસ કામગીરી ગુજરાતની સરહદો બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ચાર રાજ્યોમાં 15 દિવસ સુધી ચલાવી

વડોદરા તા.૬ : વડોદરા શહેર પોલીસને ગુનાખોરી સામેના તેમના તાજેતરના 15 દિવસના આંતરરાજ્ય કોમ્બિંગ ઓપરેશનમાં મોટી સફળતા મળી છે. શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર અને અધિક પોલીસ કમિશનર ડૉ. લીના પાટીલના માર્ગદર્શન હેઠળ, ડીસીપી ક્રાઈમ હિમાંશુકુમાર વર્માના નેતૃત્વમાં ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-1થી 4ની ટીમોએ આ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં વર્ષોથી નાસતા-ફરતા કુલ 40 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ ટીમોએ આ વિશેષ તપાસ કામગીરી ગુજરાતની સરહદો બહાર રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા ચાર રાજ્યોમાં 15 દિવસ સુધી ચલાવી હતી.

આ ઓપરેશન દરમિયાન પકડાયેલા આરોપીઓ પૈકી કેટલાક વર્ષ 2005થી એટલે કે લગભગ વીસ વર્ષથી પોલીસ પકડથી દૂર હતા. પકડાયેલા 40 આરોપીઓનો ગુનાઇત ઇતિહાસ નીચે મુજબ છે:

    2016 થી 2025 દરમિયાન: 17 આરોપીઓ,     2006 થી 2015 દરમિયાન: 16 આરોપીઓ,     2005 પહેલાંના ગુનાઓ: 7 આરોપીઓ

આ ઉપરાંત, તપાસ દરમિયાન એક આરોપી પહેલેથી જ જેલમાં હોવાનું જ્યારે ૮ આરોપીઓનું મૃત્યુ થયું હોવાનું દસ્તાવેજી પુરાવા પરથી સાબિત થયું હતું. આથી તેમના નામ પોલીસ રેકોર્ડમાંથી રદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ કોમ્બિંગ ઓપરેશન માત્ર વોન્ટેડ આરોપીઓને પકડવા સુધી મર્યાદિત નહોતું. વડોદરા શહેર પોલીસે ગુમ થયેલા કે ચોરી થયેલા મોબાઈલ ફોનની શોધખોળ માટે CEIR પોર્ટલ મારફતે સર્વેલન્સ પણ ચલાવ્યું હતું. આ પ્રક્રિયામાં ચાર રાજ્યોમાં એક્ટિવ થયેલા કુલ 21 મોબાઈલ ફોન સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યા છે. રિકવર થયેલા તમામ ફોન તેમના મૂળ માલિકોને પરત આપવા માટે જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેર પોલીસ દ્વારા ટેક્નોલોજી આધારિત તપાસ અને આંતરરાજ્ય સંકલનને ગતિ આપીને લાંબા સમયથી નાસતા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા માટે ભવિષ્યમાં પણ આવી વિશેષ કામગીરીઓ ચાલુ રહેશે.

(3:05 PM IST)