News of Sunday, 7th December 2025
ભરૂચમાં ઇતિહાસ રચાયો: પ્રથમ એર-શોમાં સારંગ અને આકાશગંગા ટીમના શૌર્યપૂર્ણ કરતબોથી જનમેદની મંત્રમુગ્ધ
અમરતપુરા હવાઈ પટ્ટી પર ભારતીય વાયુસેનાનું ભવ્ય શક્તિપ્રદર્શન: હેલિકોપ્ટરની ફોર્મેશન ફ્લાઈટ અને સ્કાય ડાઈવર્સના રોમાંચક ઉતરાણ જોવા યુવાનો અને સ્થાનિકોનો અભૂતપૂર્વ ઉત્સાહ.

ભરૂચ: ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત આજે રવિવારે અમરતપુરા હવાઈ પટ્ટી ખાતે ભારતીય વાયુસેના દ્વારા ભવ્ય એર-શોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9.30 વાગ્યે શરૂ થયેલા આ કાર્યક્રમમાં સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડાઈવર્સ ટીમના શૌર્ય અને કૌશલ્યનું જીવંત પ્રદર્શન જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ભરૂચમાં વાયુસેનાનો એર-શો પ્રથમ વખત યોજાઈ રહ્યો હોવાથી, માત્ર જનતા જ નહીં પણ યુવાઓમાં પણ ભારતીય વાયુસેનાની ક્ષમતા નિહાળવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ એર-શો થકી ભરૂચ જિલ્લો આજે વાયુસેનાના રોમાંચક શક્તિપ્રદર્શનનો સાક્ષી બની ગૌરવ અનુભવી રહ્યો છે.
એર-શો દરમિયાન આકાશગંગા સ્કાય ડાઈવર્સ ટીમના જવાનોએ વિમાનમાંથી પેરાશૂટની મદદથી સલામત અને સચોટ ઉતરાણ કરીને જનમેદનીમાં રોમાંચ જગાવ્યો હતો. તેમના શૌર્યપૂર્ણ દ્રશ્યોને ઉપસ્થિત લોકોએ તાળીઓથી વધાવી લીધા હતા. બીજી તરફ, મોરપીંછના રંગોથી સજ્જ સારંગ ટીમના હેલિકોપ્ટરોના સુમેળબદ્ધ અને જોખમી કરતબોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના એરો મોડલ્સનું નિર્દશન અને હેલિકોપ્ટરોની ફોર્મેશન ફ્લાઈટ જેવા રોમાંચક કરતબો સતત રજૂ થઈ રહ્યા છે.
આ એરો શોનું મુખ્ય ઉદ્દેશ્ય યુવાઓમાં ભારતીય વાયુસેનાની કામગીરી અને ક્ષમતા અંગે જાગૃતિ લાવવાનું તેમજ તેમને દેશસેવામાં જોડાવા માટે પ્રેરિત કરવાનું છે. શનિવારે સવારે 9.30 થી 11.30 દરમિયાન યોજાયેલા રિહર્સલમાં પણ 500થી વધુ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. હાલ એર-શો પુરજોશમાં ચાલી રહ્યો છે અને ઉમટી પડેલી જનમેદની રોમાંચક દ્રશ્યો નિહાળીને મંત્રમુગ્ધ થઇ ગઈ છે. ભરૂચમાં યોજાયેલો આ પ્રથમ એર-શો સ્થાનિકો માટે એક ગૌરવનો વિષય બન્યો છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
