<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

પાટીદાર શક્તિનું એકીકરણ: ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયાના લાંબા વિખવાદનો અંત, જીતુ વાઘાણીની હાજરીમાં ગળે મળ્યા

ખોડલધામ, કાગવડ ખાતે ભાજપના નવા મંત્રીઓના સન્માન સમારોહ બાદ મિલાપ: કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી કે, 'માના સાનિધ્યમાં વહેતી થયેલી તમામ વાતોનું આજે પૂર્ણવિરામ થયું છે'.

કાગવડ (રાજકોટ): ખોડલધામ, કાગવડ ખાતે આજે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ અને સરકારના નવા મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આખા કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યું હોય તો તે ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને પાટીદાર સમાજના યુવા નેતા તથા ધારાસભ્ય જયેશ રાદડિયાનો મિલાપ. છેલ્લા ઘણા સમયથી બંને પાટીદાર નેતાઓ વચ્ચે અણબનાવ અને વાદ-વિખવાદની ચર્ચાઓ રાજ્યભરમાં ચાલી રહી હતી, ત્યારે આજે કૃષિમંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં આ બંને નેતાઓએ એકબીજાને ગળે મળીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જીતુ વાઘાણી સાથે આ બંને નેતાઓ દ્વારા એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં તેઓએ ખુલ્લેઆમ એકબીજાને મળીને સમાજ સમક્ષ સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તેમની વચ્ચે કોઈ અણબનાવ કે વાદ-વિખવાદ નથી. આ તકે જીતુ વાઘાણીએ ભાવુક થઈને કહ્યું હતું કે, "આ માનું સાનિધ્ય છે અને માના સાનિધ્યમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા છે. જે વાતો વહેતી થઈ હતી એ વાતનું પૂર્ણવિરામ આજે થયું છે." તેમણે ઉમેર્યું હતું કે, ઘણી વખત વહેતી થતી વાતોથી વિપરીત પરિસ્થિતિ હોય છે અને આ તમામ વડીલો કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે.

જયેશ રાદડિયાએ પણ પોતાના નિવેદનમાં સ્પષ્ટતા કરી હતી કે, "આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી જયેશ રાદડિયા હોય કે ન હોય ખોડલધામ રહેવાનું છે, આ સમાજનું ગૌરવ છે." જીતુ વાઘાણીએ નરેશ પટેલને વડીલ ગણાવતાં કહ્યું કે, તેમના નેતૃત્વની અંદર સમાજ અને સેવાના કામોમાં જયેશ રાદડિયા મોખરે હોય છે અને અમે હંમેશા તત્પર હોઈએ છીએ. આ મિલાપને રાજ્યના રાજકારણમાં અને પાટીદાર સમાજના સંગઠનમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યો છે.

(4:17 PM IST)