<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

ગુજરાત એટીએસને મોટી સફળતા : ગેરકાયદેસર ચાલતી ડ્રગ્સ લેબનો પર્દાફાશ: બે કરોડના એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત

ઓનલાઈન મોબાઈલ એપ થકી આરોપીઓ ડ્રગ્સ બનાવવાનું શીખ્યા :ગોવિંદસિંહ સાથે મળી ડ્રગ્સની ફેક્ટરી ઊભી કરી: ગુજરાત ATSએ 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ : ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ (ATS)એ રાજસ્થાન પોલીસ સાથે મળી એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. જેમાં  40 લિટર લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સ (MD)ને પકડી પાડ્યું છે. શેરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોઈતારા ગામમાં આવેલા ટ્યૂબવેલ પાસે  કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર ચાલતી ડ્રગ્સ લેબનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ગુજરાત ATSએ આરોપીને પકડીને કરેલી કાર્યવાહીમાં મોટા નેટવર્કનું પગેરું મળ્યું હતું. જે બાદ રાજસ્થાન પોલીસની મદદ લઈ જોધપુર પાસેથી લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સનો 40 લિટરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. જેની કિંમત 2 કરોડ અંકાઇ રહી છે

જોધપુર ગ્રામીણ પોલીસ વડાના જણાવ્યા મુજબ ગુજરાત ATS બાલોતરા ક્ષેત્રમાં આરોપી મોનું ઓઝાની શોધખોળ માટે પહોંચી હતી. જ્યાં સિમરખિયા ગામમાં ડુંગરસિંહના મકાન પર દરોડા પાડી મોનું ઓઝા અને ગોવિંદ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમની કડક પૂછપરછ કરવામાં આવતા સોઈતારા ગામમાં ડ્રગ્સ લેબ ચાલતી હોવાની માહિતી મળી હતી. જે આધારે ગુજરાત ATS અને જોધપુર ગ્રામીણ પોલીસ સાથે રેડ કરી હતી. જેમાં 40 લિટર લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આશંકા મુજબ આ લિક્વીડમાંથી 2 કરોડની કિંમતનું 2 કિલો ડ્રગ્સ બનાવી શકાય છે. 

 

ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી મોનું ઓઝાની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એક ઓનલાઈન મોબાઈલ એપ થકી આરોપીઓ ડ્રગ્સ બનાવવાનું શીખ્યા હતા. જે બાદ તેણે ગોવિંદસિંહ સાથે મળી ડ્રગ્સની ફેક્ટરી ઊભી કરી દીધી હતી. આ મામલે ગુજરાત ATSએ 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(10:54 PM IST)