<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

પાલનપુરના એરોમા સર્કલ પર થતી ટ્રાફિકની સમસ્યા ઉકેલાશે : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લાને ૧૦૦૦ કરોડથી વધુની રકમના વિકાસ કાર્યોની ભેટ આપશે

મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા પંદરથી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી ૧૧ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ બનાસકાંઠા જિલ્લાને રૂ. ૧૦૦૦ કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. મુખ્યમંત્રીના હસ્તે બનાસકાંઠાના સાતથી વધુ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા પંદરથી વધુ વિકાસ કામોનું ખાતમુર્હુત કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમરદશી નદી ઉપર છ માર્ગીય રસ્તાને અનુરૂપ નવીન ચાર માર્ગીય પુલનું, ગઠામણ જંકશન ઉપર વીયુપીના કામનું, પી.એચ.સી મડાણા (ગઢ), પી.એચ.સી વેડંચા, પાલનપુર ખાતે અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે આધુનિક સુવિધાસભર સરકારી કુમાર છાત્રાલયનું, કીડોતર પ્રાથમિક શાળા અને સેજલપુરા પ્રાથમિક શાળાના ૨૨ નવીન વર્ગખંડોનું લોકાર્પણ કરાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પાલનપુર બાયપાસ રોડ, બાયપાસ ઓન પાલનપુર સીટી ફોર અમદાવાદ ટુ ડીસા એન્ડ ડીસા ટુ આબુરોડ (ફોર લેન) રસ્તાને અનુરૂપ નવિન ચાર માર્ગીય પુલનું કામ, પાટણ-ડીસા માર્ગનો વિસ્તરણ તથા મજબૂતીકરણ, રેલવે લાઇન પર આર.ઓ.બી.નું નિર્માણ, પાલનપુર નજીક ઉમરદશી નદી પર ૪-લેન પુલનું બાંધકામ અને ડી.એફ.સી.સી. રૂટ પર નવા આર.ઓ.બી.નું નિર્માણ સહિતના ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વપૂર્ણ કાર્યોનું ખાતમુર્હુત થશે. આ સાથે ડીસામાં વિવિધ સરકારી કચેરીઓના કેમ્પસ ડેવલપમેન્ટ, વિરુણા બસ સ્ટેશનથી દેવપુરી બાઈ મંદિર રોડ, તેમજ એટા થી ગોલા રોડના વિકાસ કાર્યો, પાલનપુરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનું નવું બિલ્ડિંગ, કન્યાઓ માટે ૨૫૦ ક્ષમતા ધરાવતી આદર્શ નિવાસી શાળા-છાત્રાલય, સમૌ મોટા, રામપુરા મોટા અને જૂના ડીસા ખાતે પી.એચ.સી.ના નવા બાંધકામ તેમજ પાલનપુર સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટના કાર્યોનું ખાતમુર્હુત કરાશે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાલનપુર રામલીલા મેદાન સ્થિત સશક્ત નારી મેળાની મુલાકાત લેશે તથા પાલનપુર ટાઉનહોલ ખાતે કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રીના સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજનને લઈને આજરોજ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે સબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

પાલનપુર એરોમા સર્કલ ખાતે થતી ટ્રાફિક સમસ્યા હવે ભૂતકાળ બનશે તો નવાઈ નહીં કારણ કે મુખ્યમંત્રીના હસ્તે પાલનપુર ગ્રીનફીલ્ડ બાયપાસનું ખાતમુર્હુત થયા બાદ બાયપાસ રોડ બનાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. સરકારશ્રી દ્વારા કુલ ૫૬૨ કરોડના ખર્ચે ત્રણ ભાગમાં આ ગ્રીનફીલ્ડ બાયપાસ બનાવવાની કામગીરી કરાશે.

વર્ષો જૂની બનાસકાંઠાના નાગરિકોની ટ્રાફિક સમસ્યાની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને દિશા નિર્દેશ આપ્યા હતા જેના પગલે ઝડપથી જમીન સંપાદન થયા બાદ હવે ખાતમુર્હુત કરાશે.

વર્તમાન પાલનપુર શહેરમાંથી અમદાવાદ, દિલ્હી, રાજસ્થાન, કંડલા તરફ જતા વાહન વ્યવહાર શહેરના એરોમા સર્કલથી પસાર થાય છે. દિન પ્રતિદિન વધેલ વાહન વ્યવહારના લીધે પાલનપુર શહેરના એરોમા સર્કલ પર ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. હાલમાં પાલનપુર શહેરના એરોમા સર્કલથી અંદાજીત ૬૬૦૦ જેટલા મોટા વાહનો સાથે કુલ ૨૯,૫૦૦ જેટલા વાહનો પસાર થાય છે.

(12:14 AM IST)