News of Tuesday, 9th December 2025
અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસને સફળતા : મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ
જયેશ પ્રજાપતિ પાસેથી ડુપ્લીકેટ માર્કશીટ તેમજ કમ્પ્યુટર સહિત મુદ્દામાલ જપ્ત : આરોપીઓ માત્ર 15 હજારમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપતા : ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

ભરુચ તા.૯ : અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં જ અંકલેશ્વરની રોયલ એકેડમી કોમ્પ્યુટર કલાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પોલીસે જયેશ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી હતી. ડુપ્લીકેટ માર્કશીટ તેમજ કમ્પ્યુટર મળી મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આરોપીઓ માત્ર 15 હજારમાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપતા હતા. આ મામલામાં ડુપ્લીકેટ માર્કશીટ બનાવી આપનાર દિલ્હીના ભેજાબાજને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો. જેના આધારે પોલીસે ટેકનિક સર્વેલન્સ શરૂ કરી એક ટીમ દિલ્હી રવાના કરી હતી. ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો. ભરૂચ પોલીસની ટીમે દિલ્હીમાં ધામા નાંખી આખરે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી પણ 42 અલગ-અલગ પ્રમાણ પત્રો તેમજ મહાત્મા ગાંધી ઈન્સ્ટિટ્યૂટના સિક્કો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
