<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ગુજરાતમાં તમાકુના રાક્ષસનો ભરડોઃ શહેરોથી ગામડાં સુધી ૧ કરોડથી વધુ લોકો વ્‍યસનની ઝપેટમાં

યુવાનોમાં હુક્કા અને સિગારેટનું વધતું ચલણ આવતીકાલ માટે લાલબત્તી સમાનઃ ધુમ્રપાન સહિત તમાકુના બેફામ સેવનથી રાજ્‍યમાં મોઢા અને ગળાના કેન્‍સરના કેસોમાં ભયજનક ઉછાળોઃ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટે કર્યા મહત્‍વના સુચનો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૧: ગુજરાતમાં સમૃદ્ધિની સાથે-સાથે હવે વ્‍યસનનું પ્રમાણ પણ ચિંતાજનક હદે વધી રહ્યું છે.તાજેતરમાં લોકસભામાં રજુ થયેલા એક રિપોર્ટના આંકડાઓ ગુજરાતના જાહેર સ્‍વાસ્‍થ્‍ય માટે ચેતવણીરૂપ સાબિત થયા છે.આ રિપોર્ટ અનુસાર, ગુજરાતના શહેરોથી માંડીને છેવાડાના ગામડાઓ સુધી તમાકુનું દૂષણ પ્રસરી ચૂકયું છે અને રાજ્‍યમાં ૧ કરોડથી પણ વધુ લોકો હાલમાં તમાકુ, બીડી કે સિગારેટના બંધાણી બની ચૂકયા છે.

પોરબંદરની હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું છે કે,રાજ્‍યમાં સરકાર અને અનેક સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા વ્‍યસન મુક્‍તિ માટે જાગળતિના અથાક પ્રયાસો કરવામાં આવે છે, તેમ છતાં વાસ્‍તવિકતા એ છે કે ગુજરાતની કુલ વસ્‍તીના ૨૫.૧% લોકો કોઈને કોઈ સ્‍વરૂપે તમાકુનો ઉપયોગ કરી રહ્યા છે. અન્‍ય રાજ્‍યોની સરખામણીએ ગુજરાતમાં તમાકુના બંધાણીઓની સંખ્‍યા ઘણી મોટી છે, જે રાજ્‍યના ભવિષ્‍ય અને સ્‍વાસ્‍થ્‍ય વ્‍યવસ્‍થા માટે ગંભીર પડકાર છે.

વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે,સૌથી વધુ ચિંતાનો વિષય યુવા પેઢી છે. ખાસ કરીને ૧૫ વર્ષથી વધુ વયના યુવાનોમાં તમાકુ અને ગુટખાનું ચલણ વધ્‍યું છે.શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓની આસપાસ પ્રતિબંધ હોવા છતાં પાન-મસાલા અને ગુટખાનું બેફામ વેચાણ થઈ રહ્યું છે.આધુનિકતાના નામે યુવાનો હવે માત્ર બીડી-સિગારેટ જ નહીં, પરંતુ હુક્કા અને સિગરેટના રવાડે પણ ચડ્‍યા છે, જે આવનારી પેઢીને બરબાદી તરફ દોરી રહ્યું છે.

રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતું કે,વ્‍યસનના પ્રકારોની વાત કરીએ તો, ગુજરાતમાં મુખ્‍યત્‍વે બે પ્રકારે તમાકુનો ઉપયોગ થાય છે,ધૂમ્રપાનયુક્‍ત અને ધૂમ્રપાનરહિત આશ્ચર્યજનક બાબત એ છે કે રાજ્‍યમાં ૧૮.૧% લોકો ધૂમ્રપાનરહિત તમાકુ (જેમ કે તમાકુ-ગુટખા, જર્દા, સોપારી સાથેનું મિશ્રણ) નો ઉપયોગ કરે છે. આ આંકડો બીડી-સિગારેટ પીનારા કરતા ઘણો મોટો છે, જે દર્શાવે છે કે લોકો મસાલા અને ગુટખાના વધુ શિકાર બન્‍યા છે.

શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં વ્‍યસનની પેટર્ન અલગ જોવા મળી છે. ગુજરાતના શહેરી વિસ્‍તારોમાં યુવાનો અને લોકોમાં સિગારેટનો વપરાશ વધુ છે, જ્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તારોમાં બીડી પીનારાઓની સંખ્‍યા મોટી છે.આ ઉપરાંત શહેરી વિસ્‍તારોમાં થતા પાર્ટી કલ્‍ચરમાં હુક્કા-સિગારનો ઉપયોગ પણ હવે સામાન્‍ય બની રહ્યો છે, જે સ્‍વાસ્‍થ્‍ય માટે અત્‍યંત જોખમી છે.આ વધતા જતા વ્‍યસનને કારણે રાજ્‍યમાં કેન્‍સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. તમાકુ, ગુટખા અને સિગારેટના કારણે મોઢા અને ગળાના કેન્‍સરનું જોખમ અનેકગણું વધી જાય છે. એટલું જ નહીં, અમુક અભ્‍યાસો તો એમ પણ સુચવે છે કે તમાકુના કારણે કિડનીમાં પણ કેન્‍સર થવાની શકયતાઓ રહેલી છે.

ગુજરાત કેન્‍સરની રાજધાની બનવા તરફ જઈ રહ્યું છે.જો સમયસર યુવા પેઢીને આ દૂષણથી બચાવવામાં નહી આવે અને કડક પગલાં લેવામાં નહી આવે, તો આગામી સમયમાં ગુજરાતની હોસ્‍પિટલો કેન્‍સરના દર્દીઓથી ઉભરાઈ જશે તે નક્કી છે. આ માટે માત્ર સરકારી પ્રયાસો નહી, પરંતુ સામાજિક જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય છે.તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્‍યું હતુ.

(9:57 AM IST)