News of Friday, 12th December 2025
બિસ્માર રસ્તા છતાં વાહનચાલકો પાસેથી ઈ-મેમો પેટે ૩ વર્ષમાં ૪૪૨ કરોડ વસૂલ્યા
વર્ષ ૨૦૨૪ના અંતે ૩૦૨.૧૦ કરોડનો દંડ હજુ વસૂલવાનો બાકી

અમદાવાદ તા.૧૨: અમદાવાદ સહિતના શહેરોમાં દર વર્ષે ચોમાસા દરમિયાન બિસ્માર થઈ જતા રસ્તા, માર્ગો ઉપર ઠેર ઠેર દબાણો, ટ્રાફિક પોલીસના અભાવે ગમે ત્યારે ચક્કાજામ તેમજ અનેક વિસ્તારમાં બંધ સ્ટ્રીટ લાઈટની સમસ્યા છતાં સરકાર વાહન ચાલકો પાસેથી જંગી દંડ વસૂલવામાં શૂરી છે. સમગ્ર ગુજરાતમાં વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ના ત્રણ વર્ષમાં જ ૪૪૨.૧૪ કરોડ રૂપિયાનો વિક્રમજનક દંડ વસૂલ કર્યો છે. તેમ છતાં વર્ષ ૨૦૨૪ના અંતે કુલ ૩૦૨,૧૦ કરોડ રૂપિયાનો દંડ હજુ સરકારે વાહન ચાલકો પાસેથી વસૂલવાનો બાકી છે.
મહાનગરોથી લઈને અર્ધશહેરી વિસ્તારોમાં માર્ગ અને ટ્રાફિકની સમસ્યા વકરી ગઇ છે. મોટાભાગના ફૂડડિલિવરીના વાહનચાલકો, સંખ્યાબંધ રિક્ષાચાલકો અને નાગરિકોને વાહન સેવા આપતી એજન્સીઓના ચાલકો પણ અનેક કિસ્સામાં બેફામ રીતે વાહન ચલાવીને વારંવાર સિગ્નલનો ભંગ કરતા હોય છે.
તેમની પાસેથી ખરેખર ટ્રાફિક નિયમોના ભંગ બદલ ચલણની વસૂલાત કરાય છે કે નહીં તે સવાલ રાજ્યના નાગરિકોને થઇ રહ્યો છે. બીજી તરફ સરેરાશ નાગરિક સરકારની ખામીયુક્ત સેવા છતાં છાશવારે મળતા ઈ-મેમાથી ત્રસ્ત થઈને મેમો ભરી રહ્યો નથી. દબાણ વિનાના રસ્તા, ખાડા વિનાના માર્ગ અને ટ્રાફિક જામ ન હોય તેવી ગુણવત્તાયુક્ત સગવડ વાહન ચાલકોને મળતી નથી પરંતુ ઈ-મેમા મળ્યા કરે છે. તેની વચ્ચે લોકસભામાં અપાયેલા આંકડામાં ફક્ત ગુજરાત જ નહીં દેશભરમાં અબજા રૂપિયાના ઈ-ચલણ વાહન ચાલકો ભરી રહ્યા નથી.
ગુજરાતમાં ત્રણ વર્ષમાં કુલ ૬૨.૧૩ લાખ ચલણ વાહન ચાલકોને અપાયા છે. ૨૦૨૪ના વર્ષમાં કુલ ૪૯૦ કરોડનો દંડ વસૂલ કરવાનો હતો તેમાંથી ૧૮૮ કરોડ વસૂલ કરાયા છે, ૩૦૨ કરોડ વસૂલવાના બાકી છે.
વર્ષ ૨૦૨૨
કુલ અપાયેલા ઇ-ચલણ- ૨,૮૪,૦૦૧ વસૂલાયેલો દંડ - ૧૦૩.૩૫ કરોડ
બાકી દંડ - ૪૩.૮૮ કરોડ
વર્ષ ૨૦૨૩
કુલ ઇ-ચલણ - ૧૬,૦૪,૫૨૪
વસૂલાયેલો દંડ - ૧૫૦.૧૮ કરોડ
બાકી દંડ - ૧૩૫.૬૨ કરોડ
વર્ષ ૨૦૨૪
કુલ ઇ-ચલણ - ૪૩,૨૪,૭૫૯
વસૂલાયેલો દંડ - ૧૮૮.૬૧ કરોડ
બાકી દંડ - ૩૦૨.૧૦ કરોડ
(11:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
