News of Friday, 12th December 2025
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામ નજીક આવેલી રંગલીઘાંટી વિસ્તારમાં અજાણ્યા યુવકનો સળગેલો મૃતદેહ મળી આવતાં ચકચાર : ફોરેન્સિક ટીમની મદદથી તપાસ : હત્યા બાદ લાશ સળગાવી દેવાઈ હોવાની શંકા
હિરોલા ગામ નજીક રંગલીઘાંટી વિસ્તારમાં ગ્રામજનો રોજની જેમ ઢોર ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને સ્ટેશન પાછળની જમીનમાં કોઈ વસ્તુ સળગેલી હાલતમાં જોવા મળતા તાત્કાલિક પોલીસને કરાતા પોલીસ તંત્ર હરકતમા

દાહોદ તા.૧૨ : દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામ નજીક આવેલી રંગલીઘાંટી વિસ્તારમાં આજે સવારે એક અજાણ્યા યુવકનો સળગેલો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ગામલોકો રોજની જેમ ઢોર ચરાવવા નીકળ્યા હતા ત્યારે તેમને આ સળગેલી હાલતમાં મૃતદેહ જોવા મળ્યો હતો, જેની જાણ થતાં જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ફોરેન્સિક ટીમની મદદથી તપાસ હાથ ધરી છે, અને પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનાને હત્યા બાદ લાશ સળગાવી દેવાઈ હોવાની શંકા સાથે તપાસ ચલાવી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા વિસ્તારમાં આજે ચકચાર મચી ગઈ હતી. હિરોલા ગામ નજીક રંગલીઘાંટી વિસ્તારમાં ગ્રામજનો રોજની જેમ ઢોર ચરાવવા માટે નીકળ્યા હતા ત્યારે તેમને સ્ટેશન પાછળની જમીનમાં કોઈ વસ્તુ સળગેલી હાલતમાં જોવા મળી હતી. નજીક જઈને તપાસ કરતાં ખબર પડી કે તે એક અજાણ્યા યુવકનો સળગાવેલો મૃતદેહ હતો. ઘટનાની જાણ ગામલોકો દ્વારા તાત્કાલિક પોલીસને કરાતા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે.
સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી મળતાં જ સંજેલી પોલીસ સ્ટાફ, સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાસ્થળની આસપાસનો વિસ્તાર કોર્ડન કરીને ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી હતી. મૃતદેહની હાલત જોઈ પ્રાથમિક રીતે અનુમાન થઈ રહ્યું છે કે અજાણ્યા યુવકને કોઈએ રાત્રિના સમયે અહીં લાવી સળગાવી દીધો હોય શકે. શરીર ગંભીર રીતે બળી ગયેલું હોવાને કારણે મૃતકની ઓળખ તાત્કાલિક કરવામાં મુશ્કેલી પડી રહી છે.
પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કોઈ પ્રકારનો સામાન, દસ્તાવેજ કે ઓળખ પુરાવો ઘટના સ્થળેથી મળ્યો નથી. પોલીસ આસપાસના ગામોમાંથી ગુમ થયેલા વ્યક્તિઓ અંગેની માહિતી મેળવી રહી છે તેમજ સીસીટીવી ફૂટેજની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને ડરનું માહોલ સર્જી દીધો છે. ગ્રામજનોમાં ચર્ચાઓ ચાલી રહી છે કે આ ગંભીર ગુનાની પાછળ શું કારણો હોઈ શકે. પોલીસએ જણાવ્યું છે કે ઘટના ખૂબ જ શંકાસ્પદ છે અને તમામ દિશામાં તપાસ ચાલુ રાખવામાં આવી છે. મૃતકની ઓળખ સ્થાપિત થયા બાદ જ ઘટનાનો મૂળભૂત કારણ અને સંડોવાયેલા લોકો અંગે વધુ સ્પષ્ટતા મળી શકશે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
