News of Saturday, 13th December 2025
બિરસા મુંડા : સંઘર્ષની જવાળા, અસમાનતા સામેની ગર્જના અને આદિવાસી આત્મગૌરવનું અમર પ્રતિક

ભારતનો ઇતિહાસ જયારે પણ સ્વતંત્રતા, સામાજિક ન્યાય અને માનવ ગૌરવની વાત કરે છે, ત્યારે બિરસા મુંડાનું નામ અવિરત ગૂંજાય છે. જંગલોની છાયામાં જન્મેલો આ યુવાન કૃપાળુ નેતા માત્ર આદિવાસી સમાજના રક્ષક ન હતાં. પરંતુ એક એવી ક્રાંતિકારી શકિત હતી, જેણે અન્યાયના ગાઢ અંધકારમાં પ્રકાશનો જવાળામુખી સળગાવ્યો. તેમની જન્મજયંતિ માત્ર એક સ્મારક દિવસ નથી. તે આપણા રાષ્ટ્રીય માનસને નવી તાજગી આપતો, સંઘર્ષ અને અસમાનતા સામે લડવાની હિંમત પ્રદાન કરતો એક પ્રેરણાનો પવિત્ર અવસર છે. ૧૯મી સદીનો આદિવાસી સમાજ બ્રિટિશ નીતિઓ, જમીનદારી પ્રથા અને બહુમુખી શોષણના ભાર નીચે ચકચૂંદ થઇ રહ્યો હતો. પોતાની જમીનમાં પરાધિન બની ગયેેલી પ્રજા માટે બિરસા મુંડાનું હોવું સૂર્યોદય સમાન હતુૅ. તેમણે ૧૮૯૯-૧૯૦૦ દરમિયાન 'ઉલગુલાન' મહા ઉથલપાથલનું નેતૃત્વ કર્યું. આ બળવો માત્ર એક વિદ્રોહ નહોતો. તે આદિવાસી આત્મગૌરવનું ઘોષપત્ર, હક્કોની પ્રખર માંગ અને બ્રિટિશ શાસન સામેનો અડગ ચેતાવણી ગર્જન હતો. બિરસાએ લોકોને યાદ અપાવ્યું કે જમીન માત્ર પ્રોપર્ટી નથી - તે તે જીવન, ઓળખ અને પરંપરાનો હૃદય છે. તેઓ નેતા કરતા વધુ - ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક જાગૃતિના આગવા દીપસ્ંતભ હતા. બિરસા મુંડાનો સંઘર્ષ ત્રણ સ્તરો પર ચાલતો હતો. એક સામાજિક જાગૃતિ જેમાં દમન સામે ઉભા રહેવાની માનસિક શકિત તેમણે પોતાના લોકોમાં જગાડી હતી.
યુવાનો માટે બિરસા હિંમત અને નેતૃત્વનું જીવંત પાઠપુસ્તક સમાન હતાં. માત્ર ર૬ વર્ષની ઉંમરે જીવન પૂર્ણ કરનાર બિરસાએ બતાવી દીધું કે સ્ંમર નહિં પરંતુ હૃદયની શકિત ઇતિહાસ લખે છે. આજના યુવાનો માટે બિરસા મુંડાના જીવનમાંથી ત્રણ મહાન પાઠ મળે છે. એક અન્યાય સામે કદી મૌન ન રહેવું, બીજુ ગૌરવ માટે ત્યાગ કરવો પડે તો પણ પાછળ ન હટવું અને ત્રીજુ સમાજને જોડતો નેતૃત્વ જ સાચો પ્રગતિનો માર્ગ છે.
તેમની ઉર્જા, સ્પષ્ટતા અને નિર્ભિકતા આજના ભારતને પણ માર્ગદર્શન આપે છે. જંગલો, જમીન આદિવાસી અધિકારો, કુદરતનું સંરક્ષણ - આ પ્રશ્નો આજે પણ આપણને પડકાર આપે છે. તેમનો પ્રવાસ આપણાં સમાજને બતાવે છે કે ન્યાય, આધ્યાત્મક અને ધૈર્ય આ ત્રણ માનવ જીવનના સૌથી મજબૂત સ્તંભ છે
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
