<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

કેન્સરના દર્દીઓ માટે 'જીવાદોરી' સાબિત થતું મુખ્યમંત્રી રાહત ભંડોળ, 4 વર્ષમાં કેન્સરના બે હજાર થી વધુ દર્દીઓને મળ્યું નવજીવન

મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં આ યોજનાને વધુ અસરકારક બનાવવામાં આવીઃ આ યોજનાનો લાભ લેવા અરજદારની વાર્ષિક આવક ૪ લાખથી ઓછી હોવી જોઇએ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી રાહત ભંડોળ  રાજ્યના નાગરિકો માટે સંકટના સમયમાં એક સશક્ત સુરક્ષા કવચ બની ગયું છે. કુદરતી આફતો, અકસ્માત અને ખાસ કરીને ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, હૃદયરોગ, કિડની અને લીવર ફેલ્યોર, તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની મોંઘી સારવારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક ટેકો પૂરો પાડી આ ભંડોળ આશાનું કિરણ બની રહે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ CMRF ને વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહે. છેલ્લા 4 વર્ષના આંકડા CMRFની સફળતાની સાક્ષી પૂરે છે. વર્ષ 2021-2025 દરમિયાન કેન્સરના 2,106 દર્દીઓની સારવાર માટે ₹31.55 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.

 

આ સહાયમાં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ સહિત બ્લડ કેન્સરના 450 કેસ અને અન્ય પ્રકારના કેન્સરના 1656 દર્દીઓનો સમાવેશ થાય છે. આ દર્દીઓને અમદાવાદની GCRI, રાજકોટની નાથાલાલ પરીખ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, સુરતની ભારત કેન્સર હોસ્પિટલ સહિત ગુજરાતની ટોચની તબીબી સંસ્થાઓમાં આધુનિક સારવાર મળી શકી છે.

 

CMRF નો લાભ લેવા માટે અરજદારની વાર્ષિક આવક ₹4 લાખ (વરિષ્ઠ નાગરિકો માટે ₹6 લાખ) થી ઓછી હોવી જોઈએ. અરજી મળ્યા બાદ, મહેસૂલ વિભાગ તેની ચકાસણી કરે છે. મુખ્યમંત્રી, મુખ્ય સચિવ, રાહત કમિશનર અને અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)ની બનેલી સમિતિની મંજૂરી પછી, મંજૂર થયેલી રકમ સીધી હોસ્પિટલ અથવા દર્દીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેનાથી સમયસર સારવાર સુનિશ્ચિત થાય છે.

 

આમ, મુખ્યમંત્રી રાહત ભંડોળ આજે ગરીબ અને મધ્યમ વર્ગના હજારો પરિવારો માટે ભરોસાનું પ્રતિક બનીને, ગંભીર બીમારીઓ સામે લડવામાં મોટો ટેકો પૂરો પાડી રહ્યું છે

(3:54 PM IST)