News of Sunday, 14th December 2025
અમદાવાદ મનપાની પ્રતિબંધીત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી: 4.27 લાખ દંડ વસૂલ કરાયો :27 એકમો સીલ
ગંદકી ફેલાવનારા અને પ્રતિબંધીત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા 1157 એકમોને નોટિસ ફટકારી કુલ 4.27 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો

અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઈ અને સેનીટેશનની દૈનિક કામગીરી ઉપરાંત પ્રતિબંધીત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 10,520 કામદારો મારફતે સફાઈ અભિયાન ચલાવી, 1815 ડોર-ટુ-ડોર વાહનો દ્વારા કચરાનું કલેક્શન કરાયું હતું. ગંદકી ફેલાવનારા અને પ્રતિબંધીત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા 1157 એકમોને નોટિસ ફટકારી કુલ 4.27 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 27 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
અમદાવાદ શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સફાઈ, સેનિટેશન અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના નિયમોના અમલીકરણ માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગ શહેરના 77 ઝોન અને 48 વોર્ડમાં દૈનિક ધોરણે સફાઈ, સેનિટેશન અને કચરાના કલેક્શનથી માંડીને તેના પ્રોસેસિંગ અને આખરી નિકાલ સુધીની કામગીરી કરે છે. આજ રોજ સવારે શહેરના મુખ્ય રસ્તાઓની 'આદર્શ બીટ સફાઈ'ની કામગીરી 17,527 કામદારો મારફતે કરવામાં આવી હતી.
બપોર બાદ ખાસ ઝુંબેશ રૂપે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના ફૂટપાથની સાઈડો પરના ઇલેક્ટ્રિક ડી.પી., ટ્રાન્સફોર્મર અને ટેલિફોન ટાવરની પાછળ એકઠા થયેલા કચરાને દૂર કરવામાં આવ્યો હતો. આજ રોજ શહેરમાં1,815 જેટલા ડોર-ટુ-ડોર વાહનો દ્વારા શહેરના તમામ રહેણાક અને વાણિજ્યક એકમોના 43,777થી વધુ POIનું કવરેજ કરી ઘન કચરાનું કલેક્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવી રાખવાના ભાગરૂપે, દરેક વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડ દ્વારા ગંદકી ફેલાવતા, જાહેર સ્થળોએ કચરો ફેંકતા કે પાન-મસાલા ખાઈ થૂંકતા વ્યક્તિઓ અને એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, સિંગલ યુઝ પ્લાસ્ટિક કે 127 માઈક્રોનથી ઓછી જાડાઈના પ્રતિબંધિત પ્લાસ્ટિક(plastic ban)નો ઉપયોગ, વેચાણ કે ઉત્પાદન કરતા ઇસમો અને એકમો સામે પણ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવી જ કાર્યવાહીના ભાગરૂપે, ગઈકાલે દંડનીય પગલાં લેવામાં આવ્યા હતા.
જાહેર રસ્તાઓ પર કચરો નાખી ગંદકી કરતા એકમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની વોર્ડ લેવલની ટીમો દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સફાઈ-સેનિટેશનને લગતી 814 નોટિસ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અમલવારી અંગેની 343 નોટિસ સહિત કુલ 1,157 નોટિસ આપવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ રૂપિયા 4,27,274/- (ચાર લાખ સત્તાવીસ હજાર બસ્સો ચાર) નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ19.75 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કુલ 27 એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
સીલ કરવામાં આવેલા આ 27 એકમોમાં સૈજપુર પ્રભાકર રોડ પર આવેલ આઋષિ બ્યુટી પાલવ, ભાગ્યવતી ચૂલા ઢોસા પાસે એલ.જી. ગ્રાઉન્ડની સામે આવેલ જય અંબે ઓટો ગેરેજ, સ્વામિનારાયણ મંદિર સામે જગાભાઈ પાર્ક રોડ પર આવેલ પ્રોટીન વર્સ, અસલાલીથી ભમ્મરિયા રોડ પર જે.કે. એન્જીનિયરીંગની બાજુમાં આવેલ નામ વગરની દુકાન, જે.કે. એન્જીનિયરીંગ વર્ક અને એમ.બી. ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. ઝવેરીવાડ વિસ્તારમાં નામ વગરની ચાની કેટલી, વિશાલ ટેક્સટાઈલ, ભવાની માખણ ઘર, એક્યુરેટ રેમન્ડ, જલારામ પાન પાર્લર અને નામ વગરની શાકભાજીની દુકાન સીલ કરાઈ હતી.
દુધેશ્વર પોલીસ ચોકી સામે નામ વગરનું ગેરેજ, માણેક ટી સ્ટોલ અને પટેલ પાન પાર્લર; નવી ચાલી બસ સ્ટેન્ડ સામે મહાવીર પ્રોવિઝનલ સ્ટોર; સ્વામિનારાયણ મંદિર રોડ પર મંદિર કર્ણાવતી દાબેલી; રામદેવ ચોક ખાતે મુરલીધર ઝેરોક્ષ સેન્ટર અને દેવર્ષ ટ્રેડર્સનો પણ સીલ કરાયેલા એકમોમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત, બોડકદેવ-વેજલપુરના142 રોડ પર વિજય કૃપા ટી સ્ટોલ અને અંબે પાન પાર્લર, તેમજ ધનંજય ટાવર સરખેજ ખાતે પ્રકાશ ઓટો પાર્ટ અને શ્રી કૃષ્ણ પાન પાર્લર સામે પણ કાર્યવાહી કરીને સીલ કરવામાં આવ્યા હતા.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
