તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Monday, 15th December 2025
વાસદ–બોરસદ હાઈવે પર ટ્રક–પીકઅપ વાન વચ્ચે ટક્કર બાદ જોરદાર બ્લાસ્ટ : બે લોકો જીવતા ભડથું
બ્લાસ્ટના પગલે પીકઅપ વાન તેમજ ટ્રકમાં ગણતરીની મિનિટોમાં આગ ભભૂકી ઊઠી: પીકઅપ વાનમાં રહેલા બે લોકો બહાર નીકળી શકે તે પહેલાં જ આગમાં ફસાઈ ગયા

આણંદ જિલ્લાના વાસદ–બોરસદ હાઈવે પર અંબાવ ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયેલી ટક્કર બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે બંને વાહનોમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં પીકઅપ વાનમાં હાજર બે લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી.અકસ્માતના પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પીકઅપ વાન અચાનક બગડી જતાં તેને રોડની વચ્ચે ઊભી રાખીને તેનું સમારકામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક ટ્રકએ નિયંત્રણ ગુમાવી પીકઅપ વાનને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તરત જ મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના પગલે પીકઅપ વાન તેમજ ટ્રકમાં ગણતરીની મિનિટોમાં આગ ભભૂકી ઊઠી હતી.
આગ એટલી વિકરાળ હતી કે બંને વાહનો આગની ઝપટમાં આવી ગયા હતા. પીકઅપ વાનમાં રહેલા બે લોકો બહાર નીકળી શકે તે પહેલાં જ આગમાં ફસાઈ ગયા હતા અને જીવતા ભડથું થઈ ગયા હતા. અકસ્માતના બનાવ અને ત્યારબાદ લાગેલી આગના પગલે થોડો સમય અફરા-તફરીનો માહોલ સર્જાઇ ગયો હતો. સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ વિકરાળ હોવાથી નજીક જઇ શક્યા ન હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર વિભાગે લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બંને વાહનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે બંને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. અકસ્માત અને આગના કારણે વાસદ–બોરસદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ હાથ ધરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવ્યો હતો.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
