<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન : તળાવ પાસે 150 જેટલા દબાણયુક્ત બાંધકામો હટાવાયા

સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મનપાએ બળિયાદેવનગર, શર્માજીની કોલોની, ભરવાડવાસ અને શિવશક્તિનગરમાંથી આશરે 150 જેટલા કાચા-પાકા ગેરકાયદે મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ શહેરમાં ગેરકાયદે દબાણો હટાવવાની મહાનગરપાલિકાની ઝુંબેશ વધુ એકવાર તેજ બની છે. આજે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલી સરકારી જમીન, ખાસ કરીને તળાવની આસપાસના દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકાએ બળિયાદેવનગર, શર્માજીની કોલોની, ભરવાડવાસ અને શિવશક્તિનગરમાંથી આશરે 150 જેટલા કાચા-પાકા ગેરકાયદે મકાનો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ સરદારનગર વિસ્તારમાં ડિમોલિશનની મેગા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો જેસીબી પહોંચ્યો છે. બળિયાદેવનગર, શર્માજીની કોલોની, ભરવાડવાસ અને શિવશક્તિનગર જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા નાના-મોટા, કાચા તેમ જ પાકા મકાનોને તબક્કાવાર રીતે તોડી પાડવામાં આવી રહ્યાં છે. અંદાજ મુજબ, 150 જેટલા આવા દબાણયુક્ત બાંધકામોને દૂર કરીને તળાવની સરકારીને ખુલ્લી કરવામાં આવી રહી છે.

મહાનગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને અગાઉથી જ નોટિસ ફટકારવામાં આવી હતી અને મકાનો ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો હતો. આ નોટિસના પગલે સ્થાનિકોએ પણ તંત્રને સહયોગ આપ્યો હતો અને મોટાભાગના પરિવારોએ ડિમોલિશન શરૂ થાય તે પહેલા જ પોતાના મકાનો ખાલી કરી દીધા હતા. તેમ છતાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(12:58 PM IST)