News of Tuesday, 16th December 2025
રાજ્યમાં ફાર્માસિસ્ટ સિવાય દવાનું વેચાણ કરનારને જવું પડશે જેલ!
ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, નોંધાયેલા ફાર્માસિસ્ટ સિવાય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ કે વેચાણ કરી શકશે નહીં : કડક નિયમનું જડબેસલાક અમલ થશે આ નિર્ણય બાદ રાજ્યભરમાં દવાની દુકાનો, હોસ્પિટલ સંચાલકો અને ફાર્મસી માલિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે

અમદાવાદ, તા.૧૬: ગુજરાત રાજ્યમાં દવાની દુકાનો પર જનવિશ્વાસ એક્ટની જોગવાઈઓનો હવે કડક અને જડબેસલાક અમલ થવાનો છે. ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, નોંધાયેલા ફાર્માસિસ્ટ સિવાય કોઈ પણ વ્યક્તિ એલોપેથિક દવાનું વિતરણ કે વેચાણ કરી શકશે નહીં. આ નિર્ણય બાદ રાજ્યભરમાં દવાની દુકાનો, હોસ્પિટલ સંચાલકો અને ફાર્મસી માલિકોમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.
જનવિશ્વાસ એક્ટ અંતર્ગત ફાર્મસી અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ફાર્માસિસ્ટ તરીકે નોંધાયેલ ન હોવા છતાં દવાનું વેચાણ કરે તો તેને ત્રણ મહિના સુધીની જેલ, દંડ અથવા બંને સજા થવાની જોગવાઈ છે. આ ઉપરાંત, નિયમોનું ભંગ કરનાર ફાર્માસિસ્ટનું રજિસ્ટ્રેશન રદ કે સ્થગિત કરવાની કાર્યવાહી પણ શકય છે.
ફાર્મસી કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મેડિકલ પ્રેક્ટિશનરના માન્ય પ્રિસ્ક્રિપ્શન પર માત્ર નોંધાયેલ ફાર્માસિસ્ટ જ એલોપેથિક દવાનું વિતરણ કે વેચાણ કરી શકશે. આ નિયમોનું પાલન ન થાય તો દોષિત સામે બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા કેદની સજા અથવા બંને લાગુ કરી શકાય છે.
આ અંગે ફાર્મસી કાઉન્સિલના એડિશનલ રજિસ્ટ્રાર દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલોના સંચાલકો, મેડિકલ સ્ટોર તથા ફાર્મસીના માલિકો અને કાર્યરત ફાર્માસિસ્ટોને અધિકળત જાણકારી પાઠવવામાં આવી છે. આ સૂચના ભારત સરકારના કાયદા અને ન્યાય વિભાગ દ્વારા અધિકળત હોવાનું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.
આ નવા કડક અમલથી રાજ્યમાં વર્ષોથી ચાલી રહેલી એક ગંભીર સમસ્યાનો અંત આવે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ ફાર્માસિસ્ટના લાયસન્સ પર દવાની દુકાનો ચાલતી હોવા છતાં દવાનું વેચાણ અન્ય વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતું હતું, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ફાર્મસી કાઉન્સિલ અને આરોગ્ય વિભાગ દ્વારા દવાની દુકાનો પર તપાસ અને ચેકિંગ પણ વધારવામાં આવશે. નિયમોનું પાલન ન કરતી દુકાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.(૨૩.૨૨)
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
