News of Tuesday, 16th December 2025
આનંદનગર પોલીસ સ્ટેશનના PSI અને સ્ટાફ પર પરિવારના ત્રણ સભ્યોએ કર્યો હુમલો
હેડ કોન્સ્ટેબલની પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઈકને ધક્કો માર્યોઃPSI ચંદુએ ઘટના રેકોર્ડ કરવા માટે મોબાઈલમાં વિડિયો બનાવવાનું શરૃ કર્યું ત્યારે આકાશે તેમને ધક્કો માર્યો અને ઝપાઝપી કરી

અમદાવાદ : અમદાવાદમાં આનંદનગર પોલીસ સ્ટેશનની વ્રજનગરી આવાસ પોલીસ ચોકી ખાતે PSI વાય.આર. ચંદુ સહિત હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસકર્મી પર એક જ પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કર્યો છે. અરજીનો જવાબ લેવા માટે બોલાવેલા યુવકે પોતાની પત્ની અને માતા સાથે મળીને પોલીસ સાથે ઝપાઝપી અને મારામારી કરી હતી.
માહિતી મુજબ, અરજીઓની તપાસ દરમિયાન આકાશ ભરતસિંહ પરમારને પૂછપરછ માટે પોલીસ ચોકી બોલાવવામાં આવ્યા હતા. આકાશ તેમના માતા વિદ્યા પરમાર અને પત્ની મનીષા પરમાર સાથે હતા. પરંતુ તપાસ શરૃ થતા પહેલા જ તેઓ ઉશ્કેરાઈ ગયા અને ગાળાગાળી શરૃ કરી દીધી.
PSI ચંદુએ ઘટના રેકોર્ડ કરવા માટે મોબાઈલમાં વિડિયો બનાવવાનું શરૃ કર્યું ત્યારે આકાશે તેમને ધક્કો માર્યો અને ઝપાઝપી કરી. વચ્ચે પડેલા હેડ કોન્સ્ટેબલને પણ ડાબા હાથની કલાઈમાં નખ મારીને ઈજા પહોંચાડી હતી. વિદ્યા અને મનીષાએ પણ મહિલા પોલીસકર્મી સાથે બોલાચાલી અને ઝપાઝપી કરી હતી.
ત્યાર બાદ ત્રણે આરોપીઓ પોલીસ ચોકીમાંથી બહાર નીકળી, હેડ કોન્સ્ટેબલની પાર્ક કરેલી સ્પ્લેન્ડર બાઈકને ધક્કો માર્યો અને નુકસાન પહોંચાડ્યું. બાદમાં તેઓ કારમાં બેસીને જાહેરમાં પોલીસકર્મીઓને ધમકી આપી ફરાર થઈ ગયા.
આ સમગ્ર મામલે PSI વાય.આર. ચંદુ દ્વારા આકાશ ભરતસિંહ પરમાર, વિધ્યાબેન પરમાર અને મનીષાબેન પરમાર સામે ગુનો નોંધાયો છે અને પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
