News of Wednesday, 17th December 2025
ખેતર ફરતે લાગેલા વીજકરંટ યુક્ત તારે વધુ એક નિર્દોષનો ભોગ લીધો
મહીસાગરના લાડણના મુવાડા ગામમા કરુણ ઘટના ઘટીઃરાત્રી દરમિયાન અજાણતા આ તારને અડી જતા વીજ કરંટ લાગવાને કારણે એક નિર્દોષ ૨૯ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું

મહીસાગર : ખેતરોમાં ઊભા પાકને નીલ ગાય અને ભૂંડથી બચાવવા માટે ખેતરને ફરતે લગાવેલા લોખંડના તારથી વીજ કરંટ લાગતા વધુ એક નિર્દોષનો ભોગ લેવાયો છે. આ વખતે આ કરુણ ઘટના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં બની છે, જેમાં નિર્દોષ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજતા ખેતર માલિક સહિત અન્ય એક યુવાન પર બાકોર પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિગતવાર વાત કરીએ તો, ખેતરમાં ઊભા પાકને નીલ ગાય અને ભૂંડ જેવા પ્રાણીઓથી બચાવવા માટે ખેડૂતો દ્વારા ખેતર ફરતે વીજ કરંટ રહિત લોખંડના તાર બાંધવામાં આવતા હોય છે. આવી જ રીતે મહીસાગર ખાનપુરના લાડણના મુવાડા ગામે પણ એક ખેતર માલિક ખેમાભાઈ ભુલાભાઈ પટેલ અને લાલાભાઈ શનાભાઈ ડામોરે પોતાના ખેતી પાકના રક્ષણ માટે ખેતરની આજુબાજુ લોખંડના તાર મારી કરંટ મુક્યો હતો. જોકે રાત્રી દરમિયાન અજાણતા આ તારને અડી જતા વીજ કરંટ લાગવાને કારણે એક નિર્દોષ ૨૯ વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે.
કરંટ લાગતા મોત નીપજનાર યુવાનની ઓળખ લાડણના મુવાડા ગામના ડામોર ફળીયામાં રહેતા રાયસિંગભાઈ વાલાભાઈ ડામોર તરીકે થઈ છે, જે ખેતરમાં મુકવામાં આવેલ કરંટથી અજાણ હતો અને ખેતર બાજુથી નીકળી રહ્યો હતો, તે સમયે ખેતરને ફરતે કરંટ મુકવામાં આવેલ તારને યુવાનના પગના ભાગે તાર અડકતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.બાદમાં આ કરુણ ઘટનાની જાણ પોલીસને થતા બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કરંટ લાગવાથી મોત નીપજનાર યુવાનને પી.એમ. અર્થે બાકોર સી.એચ.સી. સેન્ટર ખાતે ખસેડી ખેતરમાં કરંટ મુકનાર ખેતર માલિક ખેમાભાઈ ભુલાભાઈ પટેલ સહિત લાલાભાઈ શનાભાઈ ડામોર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને આ બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
