News of Wednesday, 17th December 2025
નર્મદા જિલ્લામાં ૧૯૬૨ પશુ ઇમરજન્સી ટીમે લાછરસ ગામે ભેંસને ગર્ભાશયની ગંભીર પીડામાંથી મુક્ત કરાવીનવજીવન આપ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા : ગુજરાત સરકાર દ્વારા EMRI GHS મારફતે કાર્યરત ૧૯૬૨ પશુ ઇમરજન્સી સેવા રાજ્યભરમાં પશુપાલકો માટે જીવનદાયી સાબિત થઈ રહી છે. નર્મદા જિલ્લામાં આ સેવાની તાત્કાલિક અને માનવતાભરી કામગીરીનું એક ઉત્તમ ઉદાહરણ તાજેતરમાં નાંદોદ તાલુકાના લાછરસ ગામે જોવા મળ્યું હતું.
લાછરસ ગામના રહેવાસી પ્રહલાદભાઈ વસાવાની ભેંસને ગર્ભાશય બહાર આવી જવાની ગંભીર તકલીફ સર્જાતા પશુ અસહ્ય પીડામાં મુકાઈ ગયું હતું. આ પરિસ્થિતિમાં પશુપાલક દ્વારા તાત્કાલિક EMRI GHS સંચાલિત પશુ હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પર સંપર્ક કરવામાં આવ્યો હતો.
કોલ મળતાની સાથે જ રાજપીપળા ખાતે ફરજ પર રહેલી ૧૯૬૨ MVD & KAA કરુણા એમ્બ્યુલન્સ તાત્કાલિક લાછરસ ગામના સ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે ફરજ પર હાજર ડૉ. અદનાન જાડિયા, ડૉ. પ્રજ્ઞા વસાવા તેમજ પાઇલોટ કમ ડ્રેસર મહેશ તડવી અને અલ્પેશ બારીયા દ્વારા તાત્કાલિક નિરીક્ષણ હાથ ધરી સારવારની કાર્યવાહી કરી હતી.
ડોક્ટરો દ્વારા કરાયેલા નિરીક્ષણમાં ભેંસનું ગર્ભાશય સંપૂર્ણપણે બહાર આવી ગયેલું હોવાનું જાણવા મળ્યું હતું. અત્યંત નાજુક સ્થિતિમાં પણ ટીમે સંયમ, કુશળતા અને તબીબી નિપુણતા સાથે લગભગ એક કલાકની મહેનત બાદ ભેંસને સફળતા પૂર્વક ગર્ભાશયની પીડામાંથી મુક્ત કરી પશુજીવન બચાવ્યું હતું.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
