<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

સુરતના ચોક બજાર વિસ્તારમાં ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી :આસપાસના રહીશોમાં ફફડાટ

સૂકા લાકડાના કારણે આગની જ્વાળાઓ આસપાસના મકાનો અને દુકાનો સુધી પહોંચવાની ભીતિ સર્જાતા લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા

સુરતના ઐતિહાસિક અને અતિ વ્યસ્ત ગણાતા ચોક બજાર વિસ્તારમાં આજે વહેલી સવારે આગની એક ભયાનક ઘટના સામે આવી છે. ચોક બજારમાં આવેલા એક લાકડાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં કાળા ધુમાડાના ગોટા છવાઈ ગયા હતા. જે કારણે આસપાસના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

ચોક બજાર વિસ્તારમાં જે ગોડાઉનમાં આગ લાગી હતી, ત્યાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો સંગ્રહિત હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સૂકા લાકડાના કારણે આગની જ્વાળાઓ આસપાસના મકાનો અને દુકાનો સુધી પહોંચવાની ભીતિ સર્જાતા લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા હતા. ભીડભાડ વાળો વિસ્તાર હોવાથી શરૂઆતમાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ એક્શન મોડમાં આવી હતી. સુરત શહેરના અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી ફાયર ફાઈટર્સ અને વોટર ટેન્કર્સ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી હોવા છતાં ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગને ચારે બાજુથી ઘેરીને કાબૂમાં લેવાના પ્રયાસો તેજ કર્યા છે. આગની તીવ્રતા જોતા જરૂર જણાય ત્યાં આધુનિક સાધનોની મદદ લેવામાં આવી રહી છે.

(1:09 AM IST)