<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st December 2025

અમદાવાદના પોશ સીજી રોડ પર 'સફેદ કોલર' ઠગાઈનું સામ્રાજ્ય: CA અને પૂર્વ બેંક મેનેજરના સાયબર કાંડનો પર્દાફાશ

દુબઈના સાયબર માફિયાઓ માટે ૨.૫ વર્ષમાં ઊભું કર્યું ૫૪ બોગસ કંપનીઓનું માળખું, કરોડોના ટ્રાન્ઝેક્શન અને મની લોન્ડરિંગના ખેલમાં ૫૦ લાખની રોકડ સાથે માસ્ટરમાઈન્ડ જેલભેગા

અમદાવાદ: અમદાવાદના બિઝનેસ હબ ગણાતા સીજી રોડ પર પ્રોફેશનલ પ્રેક્ટિસના ઓઠા હેઠળ ચાલતા એક હાઈ-પ્રોફાઈલ સાયબર ક્રાઈમ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. એક તરફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આકાશ સોની અને બીજી તરફ ૧૫ વર્ષનો બેંકિંગ અનુભવ ધરાવતો પૂર્વ મેનેજર મનોજ રામાવત - આ બંનેના ખતરનાક કોમ્બિનેશને સાયબર ગઠિયાઓ અને ક્રિકેટ સટ્ટાખોરો માટે 'સેફ પેસેજ' તૈયાર કર્યો હતો. અઢી વર્ષમાં ૫૪ જેટલી બોગસ કંપનીઓ બનાવી કરોડો રૂપિયાના કાળા નાણાંને ધોળા કરવાનો આ મસમોટો ખેલ જોઈને તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે. તેમની ઓફિસ પર પાડવામાં આવેલા દરોડામાં ₹૫૦ લાખની રોકડ મળતા આ કૌભાંડ કેટલું ઊંડું છે તેનો અંદાજ આવી શકે છે.
આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર અને પદ્ધતિસરની હતી. તેઓ ગરીબ મજૂરો અને જરૂરિયાતમંદ લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો માત્ર થોડા હજાર રૂપિયાની લાલચ આપીને મેળવી લેતા હતા. ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે બેંક મેનેજરના અનુભવનો ઉપયોગ કરી ત્રીજી વ્યક્તિના નામે ખાતા ખોલાવી દેતા. એકાઉન્ટમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પણ પોતાનો જ રાખતા જેથી મૂળ ખાતાધારકને ખબર જ ન પડે કે તેના નામે કરોડોની હેરાફેરી થઈ રહી છે. આ 'મ્યુલ એકાઉન્ટ્સ' (ભાડે આપેલા ખાતા) નો ઉપયોગ દુબઈ બેઠેલા માફિયાઓ ભારતીયોને લૂંટવા માટે કરતા હતા.
તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ નેટવર્કના તાર સીધા દુબઈના અનિલ ઠક્કર સાથે જોડાયેલા છે. સાયબર ફ્રોડ અને ઓનલાઈન જુગારમાં હારેલા કે છેતરાયેલા લોકોના પૈસા આ બોગસ કંપનીઓના ખાતામાં જમા થતા હતા. આ રકમને રોકડમાં ફેરવવા માટે આરોપીઓ એપીએમસી (APMC) ના નામે એન્ટ્રીઓ પાડતા અને આરટીજીએસ (RTGS) દ્વારા નાણાંની અદલાબદલી કરી કમિશનની મલાઈ ખાતા હતા. ક્રાઈમ બ્રાન્ચે આ મામલે જય નાઈ અને તેજસ જોષીની પણ ધરપકડ કરી છે, જેઓ 'મ્યુલ હંટ' ઓપરેશન હેઠળ સકંજામાં આવ્યા છે. આ ટોળકીએ સરકારી સિસ્ટમમાં રહેલી ખામીઓનો ભરપૂર ગેરફાયદો ઉઠાવ્યો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હવે આ ૫૪ કંપનીઓના બેંક સ્ટેટમેન્ટ્સ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસી રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડનો આંકડો સો કરોડને પાર કરી શકે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા જવાબદાર હોદ્દા પર બેસીને આ રીતે દેશની આર્થિક સુરક્ષા સાથે ચેડાં કરનારા આકાશ સોની અને તેના સાથીદારોની મિલકતો ટાંચમાં લેવાની કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે. આ કેસ એ સાબિત કરે છે કે હવે સાયબર ગુનેગારો માત્ર અજાણ્યા ઠગ નથી, પરંતુ તમારી આસપાસ રહેલા ભણેલા-ગણેલા વ્યાવસાયિકો પણ હોઈ શકે છે.

(11:35 AM IST)