News of Sunday, 21st December 2025
માયાભાઈ આહીરનો ડાયરામાં જોરદાર ટોણો: 'હું ટિકિટ લેવા નહોતો ગયો, મારા ચાહકો જ મારી ટિકિટ છે'
પીએમ મોદી સાથેની મુલાકાત બાદ ટિકિટની અફવાઓ પર લોકસાહિત્યકારનો મર્મભેદક ખુલાસો; પુત્ર જયરાજ આહીરને ધારાસભ્ય બનાવવાના સમીકરણો વચ્ચે ભગુડાના લોકડાયરામાં બ્રિજરાજ ગઢવીએ પણ લગાવી મહોર, રાજકારણમાં ગરમાવો

વડોદરા (ભાદરવા): ગુજરાતના પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહીર અત્યારે પોતાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય ગલીયારાઓમાં છવાઈ ગયા છે. વડોદરાના ભાદરવા ગામે આયોજિત એક ભવ્ય ડાયરામાં માયાભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની તાજેતરની મુલાકાત અંગે ચાલી રહેલી અફવાઓનો છેદ ઉડાડ્યો હતો. તેમણે મર્મભેદક શૈલીમાં ટોણો મારતા કહ્યું કે, "હું કોઈની પાસે ટિકિટ લેવા નહોતો ગયો, અમારી કલા સાથે તો અનેક ટિકિટોવાળા મિત્રો જોડાયેલા છે, ખરેખર તો અમારા ચાહકો જ અમારી સાચી ટિકિટ છે." આ નિવેદન સમયે મંચ પર કૃષિ મંત્રી સહિતના અનેક રાજકીય દિગ્ગજો હાજર હતા, છતાં માયાભાઈએ પોતાની આગવી શૈલીમાં સ્પષ્ટતા કરી દીધી હતી.
માયાભાઈ ભલે ટિકિટની ના પાડતા હોય, પરંતુ તેમના પુત્ર જયરાજ આહીરને લઈને રાજકીય લોબિંગ તેજ બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ભગુડામાં આયોજિત માંગલમાતાના પાટોત્સવ દરમિયાન લોકસાહિત્યકાર બ્રિજરાજ ગઢવીએ એક સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે જાહેર મંચ પરથી માતાજીને પ્રાર્થના કરતા કહ્યું કે, "હું જયરાજ આહીરના નામની આગળ ધારાસભ્ય લખેલું જોવા માંગુ છું." બ્રિજરાજ ગઢવીએ જયરાજ આહીર તળાજા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ઈચ્છા વ્યક્ત કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. જયરાજ હાલમાં યુવા મોરચામાં સક્રિય હોવાથી તેમની દાવેદારી મજબૂત મનાઈ રહી છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે માયાભાઈ આહીર પોતાના પુત્રને ભાજપમાં સ્થાપિત કરવા માટે લાંબા સમયથી પડદા પાછળ વ્યૂહરચના ઘડી રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેરને ભાજપમાં લાવવા પાછળ પણ માયાભાઈની મહત્વની ભૂમિકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, અમરીશ ડેરના કિસ્સામાં રાજુલા બેઠક પર હીરા સોલંકીની મજબૂત પકડ હોવાને કારણે ડેરે ધારાસભ્ય પદ ગુમાવીને મેરીટાઈમ બોર્ડના અધ્યક્ષ પદથી સંતોષ માનવો પડ્યો છે. આ સ્થિતિમાં માયાભાઈ હવે પોતાના પુત્ર માટે સુરક્ષિત ગણાતી તળાજા બેઠક પર નજર જમાવીને બેઠા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
માયાભાઈના આ ડાયરામાં લોકોની જે રીતે મેદની ઉમટી હતી તે તેમની લોકપ્રિયતાનો પુરાવો છે. "ચાહકો જ ટિકિટ છે" એવું કહીને તેમણે પીએમ સાથેની મુલાકાતને બિનરાજકીય ગણાવી છે, પરંતુ તેમની હાજરી અને બ્રિજરાજ ગઢવીના સમર્થન બાદ ભાજપ હાઈકમાન્ડ પર દબાણ વધ્યું હોય તેમ લાગે છે. આગામી સમયમાં ભાજપ સંગઠન લોકકલાકારોના આ પ્રભાવને કેવી રીતે લે છે અને શું જયરાજ આહીરને ખરેખર તળાજાથી ટિકિટ મળે છે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે. અત્યારે તો ડાયરાના મંચ પરથી શરૂ થયેલી આ વાત ગાંધીનગર સુધી ગુંજી રહી છે.
(2:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
