News of Sunday, 21st December 2025
અરવલ્લી પર સંકટના વાદળ: સુપ્રીમ કોર્ટના '100-મીટર' આદેશથી પર્યાવરણપ્રેમીઓમાં રોષ, દિલ્હી-NCR માટે ખતરાની ઘંટડી
100 મીટરથી નીચી ટેકરીઓને 'જંગલ'ની શ્રેણીમાંથી બહાર રાખવાના નિર્ણય સામે સોશિયલ મીડિયા પર જંગ; 41,000થી વધુ લોકોએ કરી ઓનલાઈન સહી, ખાણ માફિયાઓ ફાવી જશે તેવી ભીતિ વચ્ચે 'સેવ અરવલ્લી' અભિયાન તેજ

નવી દિલ્હી: વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લીના અસ્તિત્વ પર હવે કાયદાકીય અને પર્યાવરણીય જોખમ તોળાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટના તાજેતરના એક આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અરવલ્લી પ્રદેશમાં 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી ટેકરીઓને આપમેળે "જંગલ" તરીકે વર્ગીકૃત કરી શકાશે નહીં. આ નિર્ણય બાદ પર્યાવરણવાદીઓ અને જનતામાં ભારે ઉશ્કેરાટ જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ આદેશના કારણે અરવલ્લીનો મોટો હિસ્સો રક્ષણાત્મક કવચ ગુમાવી દેશે, જેનાથી ખાણકામ અને ગેરકાયદે બાંધકામ કરતા માફિયાઓ માટે રસ્તો મોકળો થઈ જશે.
સેવ અરવલ્લી ટ્રસ્ટના નિષ્ણાતો વિજય બેંજવાલ અને નીરજ શ્રીવાસ્તવે ચેતવણી આપી છે કે હરિયાણા જેવા રાજ્યોમાં માંડ બે-ત્રણ શિખરો જ 100 મીટરથી ઉપર છે, બાકીની સમગ્ર પર્વતમાળા હવે જોખમમાં મુકાશે. અરવલ્લી એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે ઉત્તર ભારતની 'જીવનરેખા' છે. તે થાર રણના રેતીના તોફાનોને દિલ્હી તરફ આવતા રોકે છે અને ભૂગર્ભજળને રિચાર્જ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જો આ કુદરતી દીવાલ નબળી પડશે, તો દિલ્હી-એનસીઆર સહિતના વિસ્તારોમાં પ્રદૂષણ અને ગરમીનું પ્રમાણ અસહ્ય બની જશે, જેની સીધી અસર લાખો લોકોના સ્વાસ્થ્ય પર પડશે.
ઐતિહાસિક રીતે જોઈએ તો, બ્રિટિશ કાળમાં દિલ્હીને રાજધાની બનાવવા પાછળનું એક મુખ્ય કારણ અરવલ્લીનું કુદરતી રક્ષણ અને યમુના નદીનું સંતુલન હતું. પરંતુ હવે વિકાસના નામે આ સંતુલન ખોરવાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે જોકે સ્પષ્ટતા કરી છે કે જમીનનું વર્ગીકરણ રેકોર્ડ અને જમીની વાસ્તવિકતાના આધારે થશે, પરંતુ લોકોમાં ડર એ છે કે જમીનના રેકોર્ડમાં છેડછાડ કરીને જંગલ વિસ્તારને ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવશે. આ વિવાદ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વકર્યો છે, જ્યાં હજારો યુવાનો અરવલ્લીને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે.
આ આક્રોશને વાચા આપવા માટે 'સેવ અરવલ્લી ટ્રસ્ટ' દ્વારા 150 જિલ્લાના મેજિસ્ટ્રેટને મેમોરેન્ડમ આપવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 41,000 થી વધુ લોકોએ ઓનલાઈન પિટિશન પર હસ્તાક્ષર કરીને કોર્ટના આ નિર્ણયના સંભવિત દુરુપયોગ સામે અવાજ ઉઠાવ્યો છે. ગુજરાતથી દિલ્હી સુધી 800 કિલોમીટરમાં ફેલાયેલી આ પર્વતમાળા જો નષ્ટ થશે, તો રણીકરણની પ્રક્રિયા ઝડપી બનશે અને આવનારી પેઢીઓ માટે શુદ્ધ હવા અને પાણીનું સંકટ ઘેરું બનશે. હવે બોલ સરકારના પાલે છે કે તેઓ પર્યાવરણીય સુરક્ષાને પ્રાથમિકતા આપે છે કે ઔદ્યોગિક હિતોને.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
