<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

૧ લાખ કરોડના ખર્ચે રાજ્‍યમાં ૧૧૦૦ કિમીના એક્‍સપ્રેસ-વે બનશે

નમો શક્‍તિ એક્‍સપ્રેસ-વે અને સોમનાથ-દ્વારકા એક્‍સપ્રેસ-વે માટે DPR તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ : સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના વેપાર-ઉદ્યોગને બળ મળવા સાથે DMICના ટ્રાફિકને પણ ઉપયોગી થશે

અમદાવાદ,તા.૨૨: વિકસિત ભારત @2047ને લક્ષ્યમાં રાખી ગુજરાત તેના વિકાસના નવા લક્ષ્યાંકો નક્કી કરી ૨૦૩૫ સુધીમાં તેને પાર કરવા માટેનો રોડ મેપ નક્કી કર્યો છે. આ રોડ મેપના કેન્‍દ્ર સ્‍થાને રોજગારી અને લોકોના જીવન સ્‍વાસ્‍થ્‍યની સુખાકારી છે. આ લક્ષ્યોને અનુરૂપ વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે શરૂ થયેલા પ્રયાસોમાં ઔદ્યોગિક રોકાણો થકી ઉત્‍પાદિત માલ સામાનની હેરફેરથી માંડીને વધનારા વાહન વ્‍યવહારને ધ્‍યાનમાં રાખી રાજ્‍યમાં એક્‍સપ્રેસ વેનું માળખું ઊભું કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગભગ એક લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે.

તાજેતરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલની અધ્‍યક્ષતામાં વિવિધ વિભાગોની કામગીરીની ચાલી રહેલી સમીક્ષા બેઠકો દરમિયાન માર્ગ અને મકાન વિભાગના મહત્ત્વાકાંક્ષી એક્‍સપ્રેસ વેમાળખાની સ્‍થિતિની જાણકારી પૂરી પાડવામાં આવી હતી. ખાસ કરીને પીપાવાવ-માલવલ-ડાસા વચ્‍ચે અંદાજે ૪૩૦ કિમીના અંતરના રૂ.૩૯૦૦૦ કરોડથી વધુના ખર્ચે બનનારા નમો શક્‍તિ એક્‍સપ્રેસ વે તથા ૬૮૦ કિમીના સોમનાથ દ્વારકા વચ્‍ચેના રૂ. ૫૭૦૦૦ કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારા એક્‍સપ્રેસ વે માટે ડિટેઈલ્‍ડ પ્રોજેક્‍ટ રિપોર્ટ (ડીપી આર) તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેમ આ બેઠકમાં જણાવાયું હતું.

સંપૂર્ણ ગ્રીનફિલ્‍ડ પ્રકારથી આકાર લેનારા આ બન્ને એક્‍સપ્રેસ વે સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના મોટા શહેરો જ નહીં, પરંતુ ઔદ્યોગિક વિસ્‍તારો, બંદરો, રેલવેને પણ સાંકળી લે તેવી રીતે તૈયાર થવાના છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ દ્વારકા એક્‍સપ્રેસ વેના માળખામાં અમદાવાદ-રાજકોટ વે પણ આવરી લેવાયો છે જેનાથી ઈન્‍ડસ્‍ટ્રિયલ અને મેન્‍યુફેક્‍ચરિંગ કોરિડોર ઊભો થશે. અમદાવાદ નજીક ધમધમતા સાણંદ-બેચરાજી ઓટો ક્ષેત્રને લોજિસ્‍ટિક અને સપ્‍લાય ચેઈન્‍સ સંબંધિત કાર્યક્ષમતામાં વધારો થશે. જ્‍યારે રાજકોટના) એન્‍જિનિયરિંગ-મેન્‍યુફેક્‍ચરિંગ એકમો સુરેન્‍દ્રનગરના એમએસએમઈ તેમજ ઉત્તર ગુજરાતમાં છેક ડીસા સુધીના પટ્ટામાં કૃષિ અને ઔદ્યોગિક પ્રવૃત્તિને બળ મળશે, તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કરાયો છે.(૪૦.૭)

કેન્‍દ્ર સરકાર પણ ૮ એક્‍સપ્રેસ-વેના કામ હાથ ધરશે

કેન્‍દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા અમદાવાદ-વડોદરા એક્‍સપ્રેસ વે બાદ વડોદરા-મુંબઇ વચ્‍ચેના એક્‍સપ્રેસ વે પર યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યું છે. હાલ વડોદરા-ભરૂચ-ગોધરાના માર્ગ પર ટ્રાફિક શરૂ કરાયો છે. એ જ રીતે વડોદરાથી દિલ્‍હી વચ્‍ચે ગુજરાતના ૧૪૮ કિમીના અંતર પર વે તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. અમદાવાદથી ધોલેરા વચ્‍ચેનો ૧૦૯ કિમીનો એક્‍સપ્રેસ વે થોડા સમયમાં જ વિધિવત રીતે ધમધમતો થઈ જશે. જ્‍યારે સાંચોર-સાંતલપુર વચ્‍ચે ૧૨૫ કિમી, સાંતલપુર-સામખિયાળી-જામનગર વચ્‍ચે ૧૨૫ કિમી, અમૃતસર-જામનગર એક્‍સપ્રેસ વેમાં (૫૬ કિમી)ના કામો હાલ અલગ અલગ તબક્કે ચાલી રહ્યા છે. જ્‍યારે ૨૦૨૬માં થરાદ-અમદાવાદ વચ્‍ચે ૨૧૪ કિમી તેમજ જામનગર-ભરૂચ વચ્‍ચે ૩૧૦ કિમીના એક્‍સપ્રેસ વે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

બંને એક્‍સપ્રેસ-વે નેટવર્કથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના ૧૩ જિલ્‍લાની વસતિને લાભ થશે

આ બંને એક્‍સપ્રેસ વે નેટવર્કથી વેપાર, ઉદ્યોગ અને કૃષિ પેદાશોની હેરફેર, નિકાસ જેવી મહત્ત્વની બાબતોમાં ફાયદો થવા સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૧૩ જિલ્‍લામાંથી તે પસાર થશે. આથી રાજ્‍યની ૪૫ ટકા જેટલી વસતિને તેનો લાભ થશે. આ જિલ્‍લાઓમાં અમરેલી, બોટાદ, સુરેન્‍દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્‍લા કેન્‍દ્રોથી એક્‍સપ્રેસ વે પર એક કલાકમાં પહોંચી શકાશે. બને વે પર ૪૨ જેટલા ઇન્‍ટક્‍સ્‍ચેન્‍જ રહેશે. મુસાફરીનું અંતર ૭૦થી ૮૦ કિમી જેટલું ઘટશે. મુસાફરીનો સમય પણ સરેરાશ ૫૦ ટકા જેટલો ઘટશે. ઇંધણની ખપતમાં ૩૫ ટકા બચત થશે.

 

(10:00 AM IST)