<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

માંડલ ખંભલાય ધામની વર્લ્ડ ઓફ રેકોર્ડ ઈન્ડિયાએ નોંધ લીધી : લક્ષચંડી મહામહોત્સવમાં ૩ રેકોર્ડ મળ્યાં

૨૫૫ યજમાનોને પણ સર્ટીફીકેટ એનાયત કરાયાં : અદભુત, અવર્ણનિય અને સોનેરી ક્ષણને વધાવવા માઈભક્તોનો પ્રવાહ ધસી આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલુણા નેહ, સખી અમારે આંગણે આજ કંચન વરસ્યાં મેહ. માંડલ ખંભલાય ધામમાં તા. ૧૪ થી ૨૪ ડીસેમ્બર દરમ્યાન અગીયાર દિવસીય ન ભુતો ન ભવિષ્યતિ શ્રી મહાશક્તિ ખંભલાય મા લક્ષચંડી મહાયાગ યોજાઈ ગયો હતો. જેમાં ૨૫૫ યજમાન પરિવારો, ૧૦૮ ચિત્રકુટીય ભુદેવો દ્વારા ૧ કરોડ ૮ લાખ કરતાં વધુ આહુતિ ચંડીપાઠના મંત્રો-શ્લોકોની મદદથી હોમી શ્રી ખંભલાય માતાજીને અર્પણ કરવામાં આવી છે. 

   આ મહોત્સવના દશમ દિને એટલે કે, તા.૨૩ના રોજ દેશ-દુનિયામાં વસતાં રાવલ,વ્યાસ, ભટ્ટ,પંડયા અને શુક્લ સહિતના કુત્સસ ગૌત્રના ૭ હજાર પરિવારો માટે સોનેરી દિવસ હતો. મંગળકારી મંગળવારે માંડલ ખંભલાય ધામમાં ચાલી રહેલ લક્ષચંડી મહોત્સવ દરમ્યાન વર્લ્ડ ઓફ રેકોર્ડ ઈન્ડિયાએ ૩ ઐતિહાસિક રેકોર્ડ આપીને ખંભલાય ધામની નોંધ લીધી હતી

  . ખંભલાય માતાજીના નીજ મંદિરે છેલ્લાં દસ વર્ષથી ચાલી રહેલ અખંડ નવચંડી યજ્ઞનો રેકોર્ડ, ગત હનુમાન જયંતિથી ધનતેરસ સુધીના સાડા છ માસ દરમ્યાન ૯૯ ભુદેવો દ્વારા સંપન્ન થયેલ ૧.૨૩ લાખ ચંડીપાઠનું પાઠાત્મક અનુષ્ઠાન માટેનો બીજો રેકોર્ડ અને ૧૧ દિવસીય લક્ષચંડી મહોત્સવમાં ૧.૦૮ કરોડથી વધુ આહુતિઓ અર્પણ કરાઈ જે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ ખંભલાય ધામે પોતાના નામે કર્યો છે.

   મંગળવારે સાંજે આયોજિત કાર્યક્રમમાં વર્લ્ડ ઓફ રેકોર્ડ ઈન્ડિયાના ચીફ એડિટર પવન સોલંકી અને પ્રતિનિધિઓની ટીમ ઉપસ્થિત રહી ખંભલાય માતાજી સંસ્થાને ત્રણેય રેકોર્ડ માટે એવોર્ડ, સર્ટીફીકેટ અને સીલ્વર મેડર એનાયત કર્યો હતો. 

  આ ઉપરાંત વર્લ્ડ ઓફ રેકોર્ડ ઈન્ડિયાએ બહોળી સંખ્યામાં સૌપ્રથમવાર ૨૫૫ યજમાન પરિવારોને પણ સર્ટીફીકેટ એનાયત કર્યા હતાં. ખંભલાય માતાજી ટ્રસ્ટ દ્વારા આ ત્રણેય રેકોર્ડ શ્રી ખંભલાય માતાજીના શ્રીચરણોમાં સમર્પિત કરાયાં હતાં, ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ ઓફ રેકોર્ડ ઈન્ડિયાના પ્રતિનિધિઓનું પણ ઉષ્માભર્યું સ્વાગત-સન્માન કર્યું હતું. 

 આમ પ્રથમવાર ખંભલાય માતાજી ધામે એકસાથે ત્રણ કિર્તિમાન પોતાને નામે કર્યા, આ અદભુત,અવર્ણીનય અને ગૌરવશાળી-સોનેરી ક્ષણોને વધાવવા યાત્રિકો,યજમાન પરિવારો, ભુદેવો અને અને નગરજનો સહિત હજારો માઈભક્તો ઉમટી પડ્યાં હતાં.

(6:18 PM IST)