<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું

યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયોઃયુવકને ગળાના ભાગે ૫૦ કરતા વધુ ટાંકા આવ્યા છે, સમગ્ર ઘટના દાહોદના ગરબાડા ચોકડી બ્રિજ નજદીક બની છે

દાહોદ : દાહોદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળુ કપાયું છે અને યુવકને હાથ અને ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે,

યુવકને ૫૦થી વધુ ટાંકા આવ્યા છે અને ગરબાડા ચોકડી બ્રિજ નજીક આ ઘટના બની છે, યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. બાઈક પર જતા વખતે ગળાના ભાગે ચાઈનીઝ દોરી આવતા યુવક થયો ઈજાગ્રસ્ત.

છેલ્લા કેટલાય સમયથી રાજયભરમાં ચાઈનીઝ દોરીનો પ્રતિબંધ હોવા છતાંય ખાનગીમાં ધુમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે દાદરાનગર હવેલી ખાતે ચાઈનીઝ દોરી બનાવતી આખી ફેકટરી ઝડપી લીધી છે અહીથી અંદાજીત દોઢ કરોડની ચાઈનીઝ દોરી ઉપરાંત મશીનરી,મોબાઈલ,વાહનો સહિત કુલ ૨.૩૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ ઉપરાંત સાણંદ,બાવળા,કોઠ અને આણંદમાંથી અલગ અલગ જગ્યાએ રેડ કરીને લાખો રુપિયાની ચાઈનીઝ દોરી પકડી પાડી છે.

ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં લઈને અમદાવાદ એસઓજી દ્રારા સાણંદના રણમલગઢ ગામના ફાર્મહાઉસમાંથી ૭.૪૮ લાખની ચાઈનીઝ દોરી જપ્ત કરીને ૪ આરોપીની ધરપકડ કરી છે. બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગણેશ કોટન પ્રેસિંગ ફેક્ટરીમાંથી ૧૨.૯૧ લાખની ૩૮૬૪ ફીરકી સાથે એક આરોપીને ઝડપી લીધો છે. કોઠ પોલીસ સ્ટેશન વિસ્તારના વટામણ ચોકડી નજીકથી આઈશર વાહનમાં ૯.૬૦ લાખની ચાઈનીઝ દોરી, વાહન,મોબાઈલ સહિત કુલ ૧૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ૨ આરોપીની અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૨ લાખની ૬૭૨ નંગ ફીરકી સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે

(9:40 PM IST)