News of Wednesday, 24th December 2025
નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ડાયાબિટીસના રાજ્યવ્યાપી લોન્ચિંગ પ્રસંગે નર્મદા જીલ્લાની GMERS મેડીકલ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા: ગુજરાત રાજ્યમાં ટાઈપ-1 ડાયાબિટીસ (જુવેનાઇલ ડાયાબિટીસ) કાર્યક્રમનું રાજ્યવ્યાપી ઉદ્ઘાટન ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ભાગરૂપે નર્મદા જિલ્લામાં રાજપીપલાની GMERS મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકોને કિટ વિતરણ કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં હાલ 29 જેટલા બાળકો ટાઈપ-1 ડાયાબિટીસની સારવાર હેઠળ છે, જેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અને માર્ગદર્શનનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ પ્રસંગે સંબોધતા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હવે ગંભીરતાથી બાળકોમાં જોવા મળતી ડાયાબિટીસ જેવી બિમારીઓ માટે આગળ આવી રહી છે. ટાઈપ-1 ડાયાબિટીસ સંપૂર્ણપણે મટી ન શકે, પરંતુ યોગ્ય સારવાર, જાગૃતિ અને માર્ગદર્શન દ્વારા બાળકો સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવી શકે છે. બાળકોના વાલીઓને રોગ અંગે સમજ આપવી, મુશ્કેલીના સમયે શું કરવું તેની યોગ્ય માહિતી પહોંચાડવી અત્યંત જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજના સમયમાં સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ જાગૃતિ અને સાવચેતી માટે સૌએ આગળ આવી આસપાસના લોકોને પણ યોગ્ય માહિતી આપવી જોઈએ. ડાયાબિટીસ ધરાવતા બાળકો અને વ્યક્તિઓને સ્વસ્થ જીવન જીવવા માટે તેમનો ઉત્સાહ વધારવો, સામાજિક સ્તરે સહકાર આપવો અને ખોરાક તથા જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરીને આવી બિમારીઓને અટકાવવાના પ્રયાસો કરવા જરૂરી છે. ગામડાં સુધી પગપેસારો કરી રહેલી જીવનશૈલી સંબંધિત બિમારીઓ અંગે લોકોને અવગત કરીને સ્વસ્થ સમાજના નિર્માણમાં સહભાગી બનવાની અપીલ તેમણે કરી હતી.
વધુમાં આ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) ટીમ દ્વારા બાળકોમાં ટાઈપ-1 ડાયાબિટીસનાં સંભવિત કેસોની ઓળખ માટે સ્ક્રીનીંગ, બાળરોગ નિષ્ણાંત, એન્ડોક્રિનોલોજિસ્ટ અથવા ડાયાબિટોલોજિસ્ટ દ્વારા નિદાન કરવામાં આવશે અને ઓળખાયેલાં કેસોનું મેડિકલ ઓફિસર તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) દ્વારા નિયમિત રીતે દર માસે તેમજ RBSK ટીમનાં સંકલનમાં રહીને તેનું રીપોર્ટીંગ નિયમિત રીતે કરવાનું રહેશે.
આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, મેડિકલ કોલજેના ઈન્ચાર્જ ડીન ડૉ. કૃણાલ શાહ, સિવિલ હોસ્પિટલના ઈ.ચા. સુપ્રિટેન્ડન્ટ ડૉ. નયન કોટિયા, કોલેજના અધ્યાપકો, હોસ્પિટલના તબીબો, ડાયાબિટીસ ટાઈપ-1ના બાળ દર્દીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા
(10:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
