<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th December 2025

સુરતના ઉધના મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર લાંચ લેતા પકડાયા: 10 હજારની લાંચ લેતા કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ

જમીન માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા લાંચ માગી હતી.

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં નાયબ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એસીબીની સતત તવાઈનું પરિણામ છે, જેમાં સુરતમાં આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. 

ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદીએ તેમના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરી હતી. આ અરજીની કાર્યવાહી કરવાના અવેજમાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીએ ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચની માગ કરી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરી, જેના આધારે એસીબીની ટીમે એક ટ્રેપ તૈયાર કર્યું. અઠવાલાઇન્સ સ્થિત ઉધના નાયબ મામલતદાર કચેરીમાં જ લાંચની રકમ લેતા વખતે ડાભીને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

(10:27 PM IST)