<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

ફૂલ નહીં હવે મોતીમાંથી ફલાવર જ્‍વેલરી... તહેવાર-લગ્નમાં નવો ટ્રેન્‍ડ

આધુનિકતાની દોડ વચ્‍ચે આજે ફરી એક વખત ‘ઓલ્‍ડ ઇઝ ગોલ્‍ડ'નો ટ્રેન્‍ડ ચર્ચામાં આવ્‍યો : વર્ષો જૂની પરંપરા, ફેબ્રિક વર્ક અને હસ્‍તકલા હવે આધુનિક ટચ સાથે નવા સ્‍વરૂપમાં સામે આવી

સુરત તા૨૫: આજના સમયમાં આધુનિકતાનો દોર જરૂરથી ચાલી રહ્યો છે પરંતુ તેની સાથે સાથે વર્ષો જૂની પરંપરા તેમજ ફેશન અને ડેકોરેશનની વિવિધ ચીજવસ્‍તુઓ જાણે ફરીથી ઓલ્‍ડ ઇઝ ગોલ્‍ડના ફોર્મમાં આવી રહી છે. આજે ખાસ કરીને યુવાવર્ગ અને મહિલાઓ એન્‍ટિક વસ્‍તુઓની ડિમાન્‍ડ કરતા હોય છે. જેથી મહિલાઓ પણ ઘર બેઠા તેમની વર્ષો જૂની પરંપરાને જાળવવા ર્ીમાટે તેમની આવડતને જાણે હાલ વાચા આપી રહી છે.

સુરત શહેરમાં હવે અનેક મહિલાઓ ઘરબેઠા જ બિઝનેસ કરી રહી છે. તેઓ તેમની આવડતનો ઉપયોગ કરીને ઘર પરિવાર સંભાળવાની સાથે સાથે આર્થિક રીતે મજબૂત પણ બની રહી છે. આ મહિલાઓ ઘર વપરાશમાં, લગ્નપ્રસંગમાં તેમજ ઘરગથ્‍થુ ડેકોરેશનમાં વપરાતી ચીજવસ્‍તુઓમાં ખાસ જૂના જમાનામાં ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ફેબ્રિક વર્કને આધુનિક ટચ આપીને ઘરેથી જ બિઝનેસ કરે છે. આવી જ એક મહિલા એટલે સખી મંડળ સાથે જોડાયેલા હિરલ સોરઠીયા.

લગ્ન સિઝનમાં દુલ્‍હન અને મહિલાઓ માટે ફૂલની જ્‍વેલરી ખાસ આકર્ષણનું કેન્‍દ્ર બને છે, પરંતુ આવી જ્‍વેલરી એક વખત પહેર્યા બાદ ફરી ઉપયોગમાં લઈ શકાતી નથી. આ સમસ્‍યાનો અનોખો ઉકેલ લાવતા શ્‍યામા સ્‍વ સહાય જૂથ સાથે જોડાયેલી હિરલ સોરઠીયાએ મોતીમાંથી ફલાવર જ્‍વેલરી બનાવવાનો નવીન કન્‍સેપ્‍ટ રજૂ કર્યો છે. તેઓ આ જ્‍વેલરી જાતે પણ બનાવે છે અને જો સમય ન હોય તો અન્‍ય બહેનો પાસે પણ બનાવીને લે છે.

આ વર્ષે ખાસ લગ્ન સિઝનમાં ફૂલની જ્‍વેલરીની વધતી માંગને ધ્‍યાનમાં રાખીને મોતીમાંથી ફલાવર જ્‍વેલરી બનાવવામાં આવી છે, જે રીયુઝ કરી શકાય તેવી છે. આ જ્‍વેલરીમાં પ્‍લાસ્‍ટિક બિડ્‍સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી નેકલેસ, ઇયરિગ, ચોકર સેટ, દુલ્‍હન માટેના લોન્‍ગ નેકલેસ, વીંટી, બ્રેસ્‍લેટ ઉપરાંત મોબાઈલ ચાર્મ, સ્‍લિંગ બેગ ચેઇન જેવી વિવિધ ચીજવસ્‍તુઓ ગ્રાહકોની માંગ મુજબ કપડાને અનુરૂપ મેચિંગ કરી તૈયાર કરવામાં આવે છે.

આ અંગે હિરલ સોરઠીયાએ જણાવ્‍યું હતું કે, હું શ્‍યામા સ્‍વ સહાય જૂથ સાથે જોડાયેલી છું અને છેલ્‍લા ૨ થી ૨.૫ વર્ષથી જૂથ સાથે જોડાયેલી છું. વ્‍યક્‍તિગત કારીગર તરીકે ૪ વર્ષથી કામ કરું છું. લગ્ન સિઝનમાં લોકો ફૂલની જ્‍વેલરી પહેરતા હોય છે પરંતુ તે બીજી વાર વાપરી શકાતા નથી. જેથી નવા કન્‍સેપ્‍ટમાં અમે મોતીમાંથી ફલાવરની જ્‍વેલરી બનાવી છે જેનો રીયુઝ પણ કરી શકાય છે અને તેમાં પ્‍લાસ્‍ટિક બિડ્‍સ હોય છે જેથી એલર્જી વગેરે પણ થતું નથી.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અમે નેકલેસ, મોબાઈલના ચાર્મ, સ્‍લિંગ બેગમાં ચેઇન, ઇયરિગ, દુલ્‍હનના હલ્‍દી અને મહેંદીના સેટ પણ બનાવીએ છીએ. કપડાને અનુસાર પણ મેચિગ સેટ તૈયાર કરી આપીએ છીએ. ચોકર સેટ અને દુલ્‍હનના લોન્‍ગ નેકલેસ, ઇયરિગ, વીંટી, બ્રેસ્‍લેટ એમ બધું બનાવીએ છીએ. જ્‍યારે એક્‍ઝિબિશન ન હોય અને ઘરેથી જ કામ કરીએ છીએ તે સમયે મહિને ૨૦,૦૦૦ થી વધારેની આવક થાય છે જ્‍યારે એક્‍ઝિબિશનમાં વધુ થાય છે. રૂ.૧૦૦ થી લઈને રૂપિયા ૩૦૦૦ સુધીની મોતીની જ્‍વેલરી બહેનો પાસે હાલ તૈયાર કરાવી છે.

(10:20 AM IST)