News of Thursday, 25th December 2025
જેઠાભાઇ ભરવાડનું વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામુ : જુઓ વિડીયો
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચોૈધરીને રાજીનામાનો પત્ર સોંપ્યોઃ સ્વીકાર : ભુપેન્દ્રભાઇ, જગદીશભાઇ વિશ્વકર્મા તથા રત્નાકરજીની ઉપસ્થિતી

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા.૨૪: રાજ્યના અનુભવી રાજકારણી જેઠાભાઇ ભરવાડે આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપતા ચર્ચાઓ શરૂ થઇ છે. વિધાનસભામાં તેમની ભૂમિકા સક્રિય અને સંતુલિત રહી છે. ઉપાધ્યક્ષ તરીકે તેમણે સભાની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના રાજીનામાથી હવે આ પદ ખાલી પડ્યું છે
જેઠાભાઇ ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. કામના ભારણનું કારણ બતાવીને જેઠાભાઇ ભરવાડે રાજીનામું આપ્યાંનું સામે આવી રહ્યું છે. જેઠાભાઈએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું.
આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સંગઠન મંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈએ જેઠાભાઈ આહીરના રાજીનામાને સ્વીકાર્યું હોવાનું અધિકળત રીતે જાહેર કરવામાં આવ્યું છે.
રાજીનામા પાછળ જેઠાભાઈ આહીરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમની ઉપર અન્ય હોદ્દાઓની જવાબદારીઓ વધતા તેઓ ઉપાધ્યક્ષ પદ માટે પૂરતો સમય આપી શકતા નથી, જેના કારણે તેમણે આ નિર્ણય લીધો છે. જોકે રાજીનામું અચાનક આવ્યું હોવાથી વિધાનસભા અને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
હાલ સુધી સરકાર કે પક્ષ તરફથી રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સત્તાવાર રીતે વ્યસ્તતાનું કારણ જ આગળ ધરવામાં આવ્યું છે. તેમ છતાં, વિધાનસભાના મહત્વના પદ પરથી અચાનક રાજીનામું આવતા રાજકીય ગરમાવો વધ્યો હોવાનું સ્પષ્ટ રીતે જોવાઈ રહ્યું છે.
આગામી દિવસોમાં ઉપાધ્યક્ષ પદ માટે કોણ જવાબદારી સંભાળશે તે અંગે સ્પષ્ટતા થવાની શકયતા છે. હાલ માટે તો જેઠાભાઈ આહીરના રાજીનામાને માત્ર વહીવટી અને વ્યસ્તતાના કારણસર લેવાયેલો નિર્ણય ગણાવી શકાય છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
