News of Friday, 26th December 2025
વડોદરામાં દિવાળીપુરા કોર્ટ રોડ પર મોપેડ સ્લિપ થતાં યુવકનું મોત :પરિવારમાં માતમ
મોપેડ જોરદાર રીતે લપસી પડતા સુરેશ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો : માર્ગ પર ટ્રાફિકના નિયમન અને સ્પીડ બ્રેકર જેવી સુવિધાઓની માંગ

વડોદરા : શહેરના વ્યસ્ત ગણાતા દિવાળીપુરા કોર્ટ રોડ પર મોપેડ ચાલક યુવકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું છે. તહેવારી માહોલ વચ્ચે આ ઘટનાને પગલે મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેશ ચૌધરી નામનો યુવક નાતાલની રાત્રે પોતાના મોપેડ પર પસાર થઈ રહ્યો હતો. દિવાળીપુરા કોર્ટ રોડ પર પહોંચતા જ અચાનક કોઈ કારણોસર તેણે વાહન પરનું નિયંત્રણ ગુમાવ્યું હતું. મોપેડ જોરદાર રીતે લપસી પડતા સુરેશ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને શરીરના અન્ય ભાગો પણ લોહીલુહાણ થઈ ગયા હતા.
અકસ્માત સર્જાતા જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ સુરેશને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના બિછાણે પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું
આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મોપેડ અચાનક સ્લિપ થાય છે અને યુવક ફંગોળાય છે. પોલીસે આ ફૂટેજ કબજે કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત સમયે મોપેડની ગતિ કેટલી હતી અને અન્ય કોઈ વાહનની અડફેટે આ બનાવ બન્યો છે કે કેમ, તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવાળીપુરા કોર્ટ રોડ પર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાથી સ્થાનિક રહીશોમાં માર્ગ સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે. લોકોએ આ માર્ગ પર ટ્રાફિકના નિયમન અને સ્પીડ બ્રેકર જેવી સુવિધાઓની માંગ કરી છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ સાથે જ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે વાહનની ગતિ મર્યાદિત રાખવી અને હેલ્મેટ જેવા સુરક્ષા સાધનોનો અચૂક ઉપયોગ કરવો, જેથી આવા અકાળે થતા મોતના કિસ્સા નિવારી શકાય.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
