<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

કુંવરજીભાઈ બાવળીયાની અધ્‍યક્ષતામાં કીડીવાવ ખાતે સ્‍વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો

લાભાર્થીઓને આવાસ યોજનાની પ્રતિકાત્‍મક ચાવી સહિત એપ્રેન્‍ટીસશિપ કરારપત્ર એનાયત કરાયાઃ મહિલાઓ અને યુવાનો તાલીમ થકી કૌશલ્‍ય વિકસાવી આત્‍મનિર્ભર બને એવી રાજ્‍ય સરકારની નેમઃ કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૭: કુંવરજીભાઈ બાવળીયાના નેતળત્‍વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્‍યાણ શિવ વંદના પદયાત્રા કીડીવાવ પહોંચી હતી. જ્‍યા કુંવરજીભાઈની અધ્‍યક્ષતામાં જિલ્લા રોજગાર કચેરી અને નોડલ આઈ.ટી.આઈ.વેરાવળ દ્વારા સ્‍વ-રોજગાર શિબિર અને રોજગાર મેળો યોજાયો હતો.

આ પ્રસંગે કુંવરજીભાઈએ વિદ્યાર્થીઓને જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વમાં અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની આગેવાનીમાં ‘વિકસિત ભારત'ના લક્ષ્યને ધ્‍યાનમાં રાખીને કામગીરી થઈ રહી છે. મહિલા અને યુવાનોની ભાગીદારીથી જ વર્ષ ૨૦૪૭માં ‘વિકસિત ગુજરાત' થકી ‘વિકસિત ભારત' બનાવવાનો લક્ષ્ય સાકાર થઈ શકશે.

‘વિકસિત ગુજરાત' માટે વિકસિત ગામડાઓની ખાસ જરૂર છે. ગ્રામ્‍યસ્‍તરે મહિલાઓ અને યુવાનોને ઘરે બેઠા રોજગારી મળે અને તેમના કૌશલ્‍યમાં વધારો થાય તે માટે રાજ્‍ય સરકારના માર્ગદર્શન હેઠળ કામ થઈ રહ્યું છે. સરકારની અનેક યોજનાઓ થકી મહિલાઓ અને યુવાઓને આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં કામ થઈ રહ્યું છે ઉદ્યોગોને સ્‍કીલ ધરાવતા યુવાઓની જરૂર છે તાલીમ થકી આવા યુવાઓને કૌશલ્‍યબદ્ધ કરી અને રોજગાર આપવાનું લક્ષ્ય નિર્ધારીત કર્યું છે.

તેમણે મહિલા સશક્‍તિકરણની વાત રજૂ કરતા જણાવ્‍યું હતું કે, હવે આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીનીઓની સંખ્‍યા વધી છે તેમજ હાર્ડ ગણાતી મિકેનિકલ, સિવિલ જેવી બ્રાંચમાં પણ વિદ્યાર્થીનીઓ એડમિશન લઈ રહી છે ભવિષ્‍યમાં આર્ટિફિશ્‍યિલ ઈન્‍ટેલિજન્‍સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને યુવા રોજગાર મેળવતો થશે આઈ.ટી.આઈ.માં પણ આવા કોર્ષ સરળતાથી ઉપલબ્‍ધ કરવા અંગે આયોજન કરવામાં આવી રહ્યું છે.

રોજગાર ક્ષેત્રે કાર્યરત વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સંરક્ષણ દળો/ અર્ધ લશ્‍કરી દળોની ભરતીમાં જિલ્લાની ભાગીદારી વધારવા હેતુસર ઈચ્‍છુક યુવાનો માટે સ્‍વામી વિવેકાનંદ પૂર્વ સેવા નિવાસી તાલીમ થકી નિઃશુલ્‍ક રહેવા-જમવાની સુવિધા સાથે પ્રેક્‍ટિકલ અને થિયરી તાલીમ સાથે સ્‍ટાઈપેન્‍ડ આપવામાં આવે છે. તેમજ મુખ્‍યમંત્રી એપ્રેન્‍ટિસશીપ તાલીમ યોજના અન્‍વયે ધો.૧૦ અને ધો.૧૨ પાસ, આઈ.ટી.આઈ. પાસ ગ્રેજ્‍યુએટ્‍સને લાયકાત અને એપ્રેન્‍ટિસ કોર્ષ મુજબ સ્‍ટાઈપેન્‍ડ આપવામાં આવે છે.

શ્રમ, કૌશલ્‍ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત, જિલ્લા રોજગાર વિનિમય કચેરી તથા વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે કીડીવાવ શૈક્ષણિક સંકૂલ ખાતે રોજગાર વિભાગ, જિલ્લા શ્રમ અધિકારીની કચેરી સહિતના વિભાગો દ્વારા સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓની વિગતો આપવામાં આવી હતી અને તેનો વધુને વધુ લાભ લેવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં કુંવરજીભાઈ તેમજ મહાનુભાવોના હસ્‍તે મહિલા સ્‍વાવલંબી યોજના, એપ્રેન્‍ટીશશિપ એનાયત કરારપત્ર, સ્‍વામિ વિવેકાનંદ નિવાસી તાલીમ યોજના, અંત્‍યોદય સહાય યોજના, બકરા એકમ સહાય સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને આદેશ/કીટ વિતરણ અને આવાસ યોજનાની પ્રતિકાત્‍મક ચાવી અર્પણ કરવામાં આવી હતી.

આ તકે, પ્રતિષ્ઠિત એકમોમાં ખાલી પડેલી જગ્‍યાઓ સામે રોજગારવાંચ્‍છુઓ માટે રોજગાર ભરતીમેળાનું આયોજન કરાયું હતું અને જિલ્લા સરકારી શ્રમ કચેરી ગીર સોમનાથ દ્વારા ઈ-શ્રમ નોંધણી કેમ્‍પ પણ યોજવામાં આવ્‍યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત ?મુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્‍ય ભગવાનજીભાઈ કરગટીયા, નિવાસી અધિક કલેક્‍ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, રોજગાર નાયબ નિયામક સી.જે.દવે, કીડીવાવ શૈક્ષણિક સંકુલના પ્રમુખ રામસિંહભાઈ ડોડિયા, પ્રદ્યુમનભાઈ ડોડિયા, સંજયભાઈ ડોડિયા સહિત વિદ્યાર્થીઓ અને રોજગાર, શ્રમ સહિત વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં

(12:02 PM IST)