News of Saturday, 27th December 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલના લુણીવાવ ગામ ખાતે કર્યું વૃક્ષારોપણ
ગામમાં શેરીની સફાઈ કરીને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપીઃ રાત્રીનાં દલીત પરીવારને ત્યાં ભોજન લીધુઃ ખાટલા પરિષદ યોજાઈ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૬: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગોંડલ તાલુકાના લુણીવાવ ગામ ખાતે વૃક્ષારોપણ કરીને ગામલોકોને વધુ વળક્ષો ઉછેરવા પ્રેરણા આપી હતી. આ સાથે તેમણે સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ સાથે શેરીની સફાઈ હાથ ધરીને સ્વચ્છતા અભિયાન આગળ વધારવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા બાદ સાંજે લુણીવાવ ગામ ખાતે પધાર્યા ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
બાદમાં ગામની પ્રાથમિક શાળા ખાતે ‘‘એક પેડ માં કે નામ અભિયાન'' અંતર્ગત વડના છોડનું રોપણ કર્યું હતું. આ તકે તેમણે શાળાના બાળકો તથા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો. તેમણે બાળકોને વળક્ષોનું મહત્વ સમજાવ્યું હતું. આ સાથે આજે વાવેલા વળક્ષોને રોજ પાણી પીવડાવીને ઉછેરવા અને મોટા થાય ત્યાં સુધી તેમનું ધ્યાન રાખવા બાળકોને પ્રેરણા આપી હતી. પ્રાથમિક શાળા ખાતે મહાનુભાવોના હસ્તે વડ સાથે અર્જુન સાદડ, કરંજ, પુત્રંજીવા, લીમડો, ઊમરો, પીપર, પીપળો જેવા વળક્ષો રોપવામાં આવ્યા હતા. ‘સ્વચ્છ ભારત અભિયાન'ને વેગ આપતા રામજી મંદિરથી લઈને સુખનાથ મહાદેવ મંદિર સુધીની શેરીની સઘન સફાઈ કરી હતી.
આ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, જિલ્લા ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશ, રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.કે. વસ્તાણી, સરપંચ રાજેશભાઈ રૂપારેલિયા, સફાઈ કામદારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
રાત્રીનાં રાજ્યપાલે દલીત વાસમાં પહોંચી જયંતિભાઇ પરમારને ત્યાં સાદુ ભોજન લીધુ હતુ. બાદમાં ગ્રામ પંચાયતનાં ચોકમાં ખાટલા પરિષદ યોજાઈ હતી. જ્યાં તેમણે ઉપસ્થિત ગ્રામજનો સાથે પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરી હતી
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
