<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

ફરી આજે વધુ ૪ આંચકાથી કચ્છની ધરતી ધ્રુજી: બે દિ માં પેટાળમાં એક જ ફોલ્ટ લાઈનમાં ૨૦ આંચકાઓના સળવળાટથી લોકોમાં ચિંતા

કચ્છના પેટાળમાં ફરી કોઈ ભૂગર્ભીય હિલચાલ થઈ રહી છે. એ સાથે જ લોકોમાં પણ એ ચિંતા છે કે શું ફરી કોઈ ભૂકંપ નો સંકેત તો નથી?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૭ : કચ્છમાં નોર્થ વાગડ ફોલ્ટમાં સતત સળવળાટ ચાલુ જ છે. ગઈ કાલે અહીં જ આવેલા ૪.૬ ના મોટા આંચકા સમયે લોકો ઘર બહાર દોડ્યા હતા અને ગાયોએ ભાગદોડ કરી હતી, ભૂકંપ તજજ્ઞ અને કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગના આસી. પ્રોફેસર ગૌરવ ચૌહાણના જણાવ્યાનુસાર ફરી આજે ૨૭/૧૨ ના ૧.૧૬ મિનિટે ૨.૫ મેગ્નિટ્યુડ, ૧.૨૬ મિનિટે ૧.૪ નો, પરોઢિયે ૬.૫૦ મિનિટે ૧.૨ નો અને સવારે ૯.૨૪ મિનિટે ૨.૧ નો આંચકો નોંધાયો છે. જ્યારે ગઈ કાલે ૨૬/૧૨ ના રોજ ૪.૬ નો એક મોટો આંચકો અને અન્ય ૧૫ આફ્ટર શોક સાથે ૧૬ આંચકા નોંધાયા હતા. આમ ગઈકાલ ૨૬/૧૨ અને આજ ૨૭/૧૨ ના સવારે ૯.૨૪ વાગ્યા સુધીમાં ૨૦ આંચકા નોધાઈ ચૂક્યા છે. ભૂકંપના આ બધા જ આંચકાઓ નોર્થ વાગડ ફોલ્ટમાં નોંધાયા છે. આ સૂચવે છે કે, કચ્છના પેટાળમાં ફરી કોઈ ભૂગર્ભીય હિલચાલ થઈ રહી છે. એ સાથે જ લોકોમાં પણ એ ચિંતા છે કે શું ફરી કોઈ ભૂકંપ નો સંકેત તો નથી? કચ્છમાં આવેલ ૨૦૦૧ ના વિનાશક ભૂકંપનું કેન્દ્ર બિંદુ અને હાલ અત્યારે બે દિવસથી જે પેટાળમાં સળવળાટ થઈ રહ્યો છે એ રાપરના નોર્થ વાગડ ફોલ્ટ એ બંને વચ્ચે ૪૨ કિમી નું જ અંતર છે.

(11:52 AM IST)