<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th December 2025

વડોદરામાં ન્યુ ઈયરની ઉજવણી પહેલા પોલીસ તંત્ર સતર્ક: ફાર્મ હાઉસ પાર્ટીઓ પર બાજ નજર અને બજારોમાં સઘન પેટ્રોલિંગ

ગોવિંદપુરા અને ફુલબાગ સહિતના પ્રવેશદ્વારો પર સ્પેશિયલ ચેકપોસ્ટ ઉભી કરાશે : બ્રેથ એનાલાઈઝર સાથે પોલીસની ટીમો દારૂ પીને વાહન ચલાવનારા લોકોની તપાસ કરશે.

વડોદરા : 31મી ડિસેમ્બરની ઉજવણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા જિલ્લાનું પાદરા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ઉજવણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા સમગ્ર તાલુકામાં કડક સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાપન હાથ ધરવામાં આવ્યું છે.

પાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એ. ચારણની આગેવાનીમાં પીએસઆઈ, હોમગાર્ડ અને જીઆરડી જવાનો સહિતના કાફલાએ શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. નવા એસટી ડેપો, ચકલા વિસ્તાર, ગાંધી ચોક અને મુખ્ય બજાર જેવા વિસ્તારોમાં પોલીસે પગપાળા પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ દરમિયાન ટ્રાફિકમાં અવરોધરૂપ લારી-ગલ્લાઓ દૂર કરાવી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.

વડોદરા જિલ્લામાં સૌથી વધુ ફાર્મ હાઉસ પાદરા અને આસપાસના વિસ્તારોમાં આવેલા છે. 31 ડિસેમ્બરની રાત્રે અહીં મોટા પાયે પાર્ટીઓનું આયોજન થતું હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, મંજૂરી વગર યોજાતી પાર્ટીઓ, નિર્ધારિત મર્યાદા કરતા વધુ અવાજ (Noise Pollution) અને નશીલા દ્રવ્યોના સેવન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોન અને ખાનગી ડ્રેસમાં પોલીસ કર્મીઓ ફાર્મ હાઉસ વિસ્તારોમાં સતત નજર રાખશે

પોલીસના જણાવ્યા અનુસાર, 31મીની રાત્રે ગોવિંદપુરા અને ફુલબાગ સહિતના પ્રવેશદ્વારો પર સ્પેશિયલ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. બ્રેથ એનાલાઈઝર સાથે પોલીસની ટીમો દારૂ પીને વાહન ચલાવનારા (Drink and Drive) લોકોની તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે, ગત 25 ડિસેમ્બરના રોજ જ પાદરા અને વડુ પોલીસે પ્રોહિબિશનના 50થી વધુ કેસ નોંધીને પોતાની સક્રિયતા સાબિત કરી દીધી છે.

પાદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે, નાગરિકો શાંતિપૂર્ણ અને સલામત વાતાવરણમાં ન્યૂ ઈયરની ઉજવણી કરે તે માટે પોલીસ કટિબદ્ધ છે. શંકાસ્પદ વાહનોનું ચેકિંગ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે રાત્રિના સમયે પેટ્રોલિંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને ગેરકાયદે પાર્કિંગ કરનારાઓ સામે પણ દંડનીય કાર્યવાહી હાથ ધરાશે.

(1:10 PM IST)