<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલમાં મનોરંજન અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો : વહીવટી તંત્રએ સુરક્ષાના કારણોસર તમામ ગેટ બંધ કરવાની ફરજ પડી : 1 લાખથી વધુ લોકોની જનમેદનીથી કાંકરિયા પરિસર 'હાઉસફુલ' થઈ ગયું

આજે 'કચ્છી કોયલ' ગીતાબેન રબારીની જમાવટ : જાણીતા ગાયક પાર્થ ઓઝાએ પોતાના મધુર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા : ગુજરાતી લોકગીતોથી લઈને બોલિવૂડના હિટ ગીતોની એવી જમાવટ જામી કે લોકો પોતાની જગ્યાએ ઝૂમી ઉઠ્યા

 અમદાવાદ : અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલમાં મનોરંજન અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો છે. કાર્નિવલના ત્રીજા દિવસે અમદાવાદીઓનો એવો ભારે ધસારો જોવા મળ્યો કે વહીવટી તંત્રએ સુરક્ષાના કારણોસર તમામ ગેટ બંધ કરવાની ફરજ પડી હતી. 1 લાખથી વધુ લોકોની જનમેદનીથી કાંકરિયા પરિસર 'હાઉસફુલ' થઈ ગયું હતું.

 

પાર્થ ઓઝાના સંગીતની જાદુગરી અને સર્કસના કરતબ

ગઈકાલે રાત્રે કાંકરિયાના મુખ્ય સ્ટેજ (સ્ટેજ-1) પર જાણીતા ગાયક પાર્થ ઓઝાએ પોતાના મધુર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાતી લોકગીતોથી લઈને બોલિવૂડના હિટ ગીતોની એવી જમાવટ જામી હતી કે લોકો પોતાની જગ્યાએ ઝૂમી ઉઠ્યા હતા.

 

બીજી તરફ, સ્ટેજ-2 પર બોમ્બે સર્કસના કલાકારોએ શ્વાસ અધ્ધર કરી દે તેવા કરતબો રજૂ કર્યા હતા. બાળકોથી લઈને મોટેરાઓ સુધીના તમામ મુલાકાતીઓ કલાકારોની અદભૂત શારીરિક ક્ષમતા અને સાહસ જોઈને અચંબિત થઈ ગયા હતા.

 

ક્રાઉડ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થા

ભીડને નિયંત્રિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અત્યાધુનિક ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે જનમેદની મર્યાદા કરતા વધી ગઈ, ત્યારે પોલીસે તકેદારીના ભાગરૂપે એન્ટ્રી ગેટ બંધ કરી દીધા હતા, જેથી અંદર રહેલા લોકો સુરક્ષિત રીતે ઉત્સવનો આનંદ માણી શકે.

 

આજે 'કચ્છી કોયલ' ગીતાબેન રબારીની જમાવટ

આજે કાર્નિવલનો ચોથો દિવસ છે અને અમદાવાદીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે રાત્રે લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી પોતાના કંઠે કાંકરિયા ગજવશે. ગીતાબેનના ડાયરા અને ગરબાની રમઝટમાં ફરી એકવાર લાખોની સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.

(11:51 AM IST)