<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરના ભવ્ય આરસના શિખર અને કોતરણીને તેની મૂળ ચમક પાછી આપવા માટે મોટું અભિયાન : 50 વર્ષના ધૂળ અને ડાઘા દૂર થશે

યાત્રાધામ અંબાજી મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ 1975માં શરૂ કરવામાં આવ્યો હતો અને છેલ્લા પાંચ દાયકાથી કુદરતી પરિબળોને કારણે ઝાંખા પડેલા સંગેમરમરને વડોદરાની એક ખાનગી કંપની દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી ચમકાવવાની કામગીરી હાથ ધરાઈ

પાલનપુર : દેશના 51 શક્તિપીઠોમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતા અંબાજી મંદિરના ભવ્ય આરસના શિખર અને કોતરણીને તેની મૂળ ચમક પાછી આપવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ દાયકાથી કુદરતી પરિબળોને કારણે ઝાંખા પડેલા સંગેમરમરને વડોદરાની એક ખાનગી કંપની દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી ચમકાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

યાત્રાધામ અંબાજી મંદિરનો જીર્ણોદ્ધાર વર્ષ 1975માં શરૂ કરવામાં આવ્યો હતો. આખું મંદિર સ્થાનિક ખાણોમાંથી નીકળેલા ઉચ્ચ ગુણવત્તાના આરસપથ્થર (સંગેમરમર) માંથી કંડારવામાં આવ્યું છે. જોકે, છેલ્લા 50 વર્ષ દરમિયાન વરસાદ, ધૂળની ડમરીઓ અને પ્રદૂષણને કારણે સફેદ આરસ પર પીળા અને કાળા ડાઘા પડી ગયા હતા. મંદિરની ભવ્યતા અને શિખરની ચમક જળવાઈ રહે તે હેતુથી હવે તેનું સઘન શુદ્ધિકરણ કરવામાં આવી રહ્યું છે.

વડોદરાના માઈભક્તની ઉદારતા

વડોદરાની ‘ઇકો ફેસિલિટી મેનેજમેન્ટ’ કંપનીના ચેરપર્સન રાહુલ શર્મા અવારનવાર અંબાજી દર્શને આવતા હતા. મંદિરના માર્બલની હાલત જોઈ તેમણે તેને ફરીથી નવો જેવો બનાવવાનો સંકલ્પ કર્યો હતો. આ કામગીરી માટે અંદાજે 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થવાની શક્યતા છે, પરંતુ રાહુલ શર્માએ આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક કરી આપવાની ખાતરી આપતા મંદિર ટ્રસ્ટ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે.

પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ

 

આ સફાઈ કામગીરી કોઈ સામાન્ય પદ્ધતિથી નહીં, પરંતુ પાવર વોશ અને સ્ટીમ વોશ ટ્રીટમેન્ટ દ્વારા કરવામાં આવી રહી છે. કેમિકલ સાથેની આ ટ્રીટમેન્ટની અસર એક થી દોઢ વર્ષ સુધી રહેશે અને ત્યારબાદ પણ તે જ કંપની ફરીથી સફાઈ કરી આપશે. આ સમગ્ર પ્રોજેક્ટ 180 દિવસમાં ત્રણ અલગ-અલગ તબક્કે પૂર્ણ કરવામાં આવશે.

સ્પષ્ટ દેખાઈ રહ્યો છે તફાવત

બનાસકાંઠાના અધિક કલેક્ટર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે, સફાઈ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જે ભાગની સફાઈ થઈ ગઈ છે અને જે ભાગ બાકી છે, તે બંને વચ્ચેનો તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ ટ્રીટમેન્ટ બાદ અંબાજી મંદિરની સદીઓ પુરાણી કોતરણી અને મૂર્તિઓ ફરી એકવાર તેની મૂળ ચમક સાથે ઝળહળી ઉઠશે. આ સેવાકીય કાર્યથી માઈભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે ટૂંક સમયમાં જ અંબાજી મંદિરનું શિખર સોનાની ચમક સાથે સફેદ આરસની દિવ્યતાથી શ્રદ્ધાળુઓને અભિભૂત કરશે.

(12:54 PM IST)