<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th December 2025

કાંકરિયા કાર્નિવલમાં આજે સુરાવલીઓ રેલાશે: 'કચ્છની કોયલ' ગીતા રબારીના ગીતો પર ઝૂમશે અમદાવાદીઓ

કાર્નિવલના ત્રીજા દિવસે મનોરંજનનો હાઈ-ડોઝ: ગીતાબેન રબારી, અક્ષય તમયચે અને મિતાલી નાગના પર્ફોર્મન્સથી લેકફ્રન્ટ ગુંજી ઉઠશે, જાણો ત્રણેય સ્ટેજનું મિનિટ-ટુ-મિનિટ શિડ્યુલ

અમદાવાદ: અમદાવાદની શાન ગણાતા 'કાંકરિયા કાર્નિવલ 2025'નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આજે રવિવાર હોવાથી અમદાવાદીઓ માટે મનોરંજનની ભવ્ય મિજબાની પીરસવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો, તેના ત્રીજા દિવસે એટલે કે 28 ડિસેમ્બરે લોકોના માનીતા કલાકારો સ્ટેજ ગજવશે. આજના દિવસનું સૌથી મોટું આકર્ષણ લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી છે. 'કચ્છની કોયલ' તરીકે જાણીતા ગીતાબેનના લોકગીતો અને ભજનની રમઝટ માણવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે, જેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આજના સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ તો, મુખ્ય સ્ટેજ 'પુષ્પ કુંજ' પર સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ગીતાબેન રબારી પોતાના અવાજનું જાદુ પાથરશે. તે પહેલાં સાંજે 5 વાગ્યાથી તલવાર રાસ અને ડાન્સ પર્ફોર્મન્સ દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવશે. કાંકરિયા લેકફ્રન્ટના દરેક ખૂણે સંગીત અને ઉત્સાહનો માહોલ જોવા મળશે. રવિવારની રજા હોવાથી પરિવાર સાથે કાર્નિવલની મજા માણવા આવતા લોકો માટે આ કાર્યક્રમો યાદગાર સાબિત થશે.

બાળકો અને સંગીત પ્રેમીઓ માટે 'બાલવાટિકા' સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં બપોરે 4 વાગ્યાથી જૂના ગીતોની મહેફિલ જામશે. ત્યારબાદ માઉથ ઓર્ગન વાદન અને રાત્રે નીરજ ગજ્જરના સુમધુર ગીતોનો લ્હાવો મળશે. બીજી તરફ, વ્યાયામ વિદ્યાલય (સ્ટેજ-3) ખાતે વહેલી સવારથી જ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે, જેમાં ડ્રમ સર્કલ અને ડાયટ વર્કશોપનો સમાવેશ થાય છે. રાત્રે અહીં લાઈવ કોન્સર્ટનું આયોજન છે, જેમાં અક્ષય તમયચે અને મિતાલી નાગનું રોક બેન્ડ ધૂમ મચાવશે.

કાંકરિયા કાર્નિવલ માત્ર ગીત-સંગીત પૂરતો મર્યાદિત નથી, પણ અહીં વિવિધ રાઈડ્સ, ફૂડ સ્ટોલ્સ અને લેઝર શોનો આનંદ પણ લોકો માણી રહ્યા છે. વર્ષ 2008થી શરૂ થયેલી આ પરંપરા આજે અમદાવાદીઓના લોહીમાં વણાઈ ગઈ છે. જો તમે પણ આજે કાંકરિયા જવાનું વિચારી રહ્યા હોવ, તો સમયપત્રક મુજબ પહોંચવું હિતાવહ છે જેથી તમારા મનપસંદ કલાકારનું પર્ફોર્મન્સ ચૂકી ન જવાય. લેકફ્રન્ટ પર ઝળહળતી લાઈટો અને સાંસ્કૃતિક કાર્યક્રમો અમદાવાદની રાતને વધુ રંગીન બનાવશે.

(1:12 PM IST)